Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron) વેરીએન્ટની દહેશત વચ્ચે શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વધી રહેલા કોરોનાના (Corona) સંક્રમણ વચ્ચે આખરે સુરતમાં પણ ઓમીક્રોન વેરીએન્ટના દર્દી નોંધાતા આરોગ્ય તંત્રનો જીવ અધ્ધર થઇ ગયો છે. વરાછા ઝોનમાં એ.કે.રોડ પર દેવજી નગરમાં રહેતા અને દક્ષિણ આફ્રીકાથી (South africa) પરત ફરેલા 42 વર્ષીય હીરા વ્યવસાયીને કોરોનાનો રીપોર્ટ પોઝિટવ આવતા તેના જીનોમ સીકવન્સની તપાસ માટે સેમ્પલ લેવાયા હતા જેમાં તેને ઓમીક્રોન વેરીયેન્ટ હોવાની પુષ્ટી મળતા શહેરમાં ફરી એકવાર કોરોનાના ભયનું મોજુ છવાયું છે.

શહેરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. મળતી વિગત મુજબ ઓમીક્રોન વેરીએન્ટનો શિકાર બનેલો આ યુવક હીરાના વ્યવસાયી સાથે સંકળાયેલો છે. આ યુવક બિજનેસના કામ અર્થે દક્ષિણ આફ્રીકા ગયા હતા અને ત્યાંથી ગત તારીખ બીજી ડીસેમ્બરના રોજ સુરત પરત ફર્યા હતા. તેમજ આઠમી તારીખે તેને કોરોના હોવાનો રીપોર્ટ પોઝિટવ આવ્યો હતો. તેથી તેના જીનોમ સીકવન્સ ટેસ્ટ કરવા મોકવાયા હતા. આ રીપોર્ટ સોમવારે આવી ગયો છે. જેમાં ઓમીક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટી મળતા ચકચાર મચી જવા પામી છે. મનપા દ્વારા સાવચેતીના ભાગ રૂપે તેના પરિવારના તમામ લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા જો કે રાહતની વાત એ છે કે તેમાથી કોઇને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું નથી.

ઓમિક્રોન મુદ્દે તંત્ર એલર્ટ, 62 સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હવે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ આવેલા 62થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાંથી 36 અને નવી સિવિલ હોસ્પિટલમાંથી 26 દર્દીના સેમ્પલ મોકલાયા છે. વિદેશથી આવેલા લોકોના સંપર્કમાં કોણ આવ્યુ છે? એ ડાયરેક્ટ જાણ થતી નથી. તેથી સાવચેતની ભાગરૂપે તમામના સેમ્પલ મોકલવામાં આવે છે. નોંધનીય છે કે, ઓમિક્રોન વોરિયન્ટના લીધે સ્મીમેર હોસ્પિટલમાં અને સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના વિવિધ માળે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે સુરત શહેરમાં શુક્રવારે કોરોનાના 2 કેસ નોંધાયા હતા.

To Top