Top News

More Posts

   The Latest

Most Popular

આજે આખા વિશ્વમાં લગભગ તમામ દેશોમાં દારૂ પીવામાં આવે છે. તો બીજી તરફ ભારતમાં કેટલાક રાજ્યો એવા છે કે તેમાં દારૂબંધી કરવામાં આવી છે. જોકે, આ દારૂબંધી અને ભારતમાં દારૂ પીવાનું પ્રમાણ એટલું વધારે નહીં હોવા છતાં પણ આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં દારૂના ઉત્પાદનમાં એટલો વિકાસ થયો છે કે આજે વિશ્વમાં દારૂની જે સૌથી વધુ વેચાતી અને વિકસતી 30 બ્રાન્ડ છે તેમાં એક તૃતિયાંશથી વધુ એટલે કે 13 બ્રાન્ડ ભારતની જ છે. જ્યારે ટોપ ટેન વ્હીસ્કીની બ્રાન્ડમાંથી 6 બ્રાન્ડ ભારતની છે. એટલે કે 60 ટકા વ્હીસ્કી ભારતમાં બને છે.

ભારતમાં જે લિકર માર્કેટ એટલે કે દારૂના વેપારનું બજાર છે તેમાં વ્હીસ્કીનો હિસ્સો બે તૃતિયાંશ છે. વ્હીસ્કીની સાથે સાથે ભારતની બ્રાન્ડ, વોડકા અને રમ બ્રાન્ડ પણ પસંદ કરવામાં આવી રહી છે. ભારતમાં વધુ વસ્તીને કારણે આગામી 5 જ વર્ષમાં 10 કરોડ લોકો દારૂ પીવાની ઉંમર પર પહોંચી જશે. જેને કારણે સૌથી મોટી લિકર કંપનીઓ આજે ભારતના બજાર પર ધ્યાન આપી રહી છે.

જ્યારે આઝાદીની લડાઈ ચાલી રહી હતી ત્યારે મહાત્મા ગાંધીજીએ દારૂને કારણે થવા વિનાશને પગલે દારૂના વ્યસન સામે આંદોલન ચલાવ્યું અને આજે ભારતમાં આવેલા રાજ્યો તેમજ સંઘપ્રદેશો પૈકી ગુજરાત, બિહાર, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ તેમજ લક્ષદ્વીપમાં દારૂબંધી કરી દેવામાં આવી છે. આમ તો આખા દેશમાં દારૂબંધી લાગુ પાડી શકાય પરંતુ કેટલાક રાજ્યો પોતાની આવક જતી નહીં કરવાના કારણો રજૂ કરીને દારૂબંધીનો વિરોધ કરી રહ્યા છે. દારૂ પીવાની સરખામણીમાં દારૂબંધી કરવાનો વર્ગ વધારે છે. પરંતુ ભારત દેશમાં દારૂ બનાવવા માટેની કંપનીઓમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે દારૂ બનાવીને તેની નિકાસ કરવાના પ્રમાણમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે.

એક અહેવાલ પ્રમાણે, ભારતમાં દિવસેને દિવસે લિકર બનાવતી કંપનીઓ વધી રહી છે. જે કંપનીઓ હાલમાં છે તે પોતાનો ધંધો વધારી રહી છે અને સાથે સાથે આઈપીઓ લાવીને કંપનીનું વિસ્તરણ પણ કરી રહી છે. આખા વિશ્વમાં દારૂના વેચાણમાં ભારતની જે 10 કંપની છે તેમાં 6 કંપની એવી છે કે જેમાં વૃદ્ધિ જ બે આંકડાની છે. આઈકોનિક મેન્યુફેકચરિંગ કંનપી એલાઈન્ડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સનો રૂપિયા 1500 કરોડનો નવો આઈપીઓ આવી રહ્યો છે. યુનાઈટેડ સ્પિરિટ્સના મેક્ડોવેલે 2023માં 31.4 મિલિયન વ્હીસ્કીના વેચાણ સાથે વિશ્વની સૌથી મોટી વ્હીસ્કીની બ્રાન્ડ બની રહી છે.

જો દારૂને લોકોની ભાવનાઓ સાથે જોડવામાં નહીં આવે અને દારૂને એક વેપાર તરીકે જોવામાં આવે તો ભારતનું લિકર માર્કેટ એવું છે કે જેનો વિકાસ ખૂબ ઉંચો છે. વિશ્વમાં ભારતની જે લિકર બ્રાન્ડ પોતાનો ડંકો વગાડી રહી છે તેમાં રોયલ સ્ટેગ, ઈમ્પિરિયલ બ્લુ, બ્લેન્ડર પ્રાઈડનો સમાવેશ થાય છે. આમ, તો ભારતમાં રાજાશાહીના સમયથી દારૂ પીવાની પ્રથા છે. જે સમય જતાં બદલાતી રહી છે. આજે પણ ભારતમાં મોટાપાયે દારૂ પીવામાં આવે છે. સાથે સાથે 40 વર્ષની વય પછી મેડિકલના કારણોસર દારૂ પીવાની પરમિટ પણ આપવામાં આવી રહી હોવાથી દિવસેને દિવસે ભારતમાં જ દારૂની ખપત વધી રહી છે.

આટલું જ નહીં, જે રાજ્યોમાં દારૂબંધી છે તે રાજ્યો પણ દારૂબંધીને હળવી કરવા અથવા તેને નાબુદ કરવા માટે વિચારી રહ્યા છે. વિશ્વના વિવિધ દેશોમાં પણ દારૂ પીવાની માત્રા ધીરેધીરે વધી રહી છે. ખાસ કરીને યુવાવર્ગમાં જે રીતે દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે તેણે દારૂની ખપત પણ વધારી છે. લિકર કંપનીઓ દ્વારા પણ પોતાની પ્રોડક્ટ વેચવા માટે જાહેરાતોનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે. જેને પગલે પણ લિકરની ખપત વધવાની સંભાવના છે.

લિકરનો ઉપયોગ સંયમિત રીતે કરવામાં આવે તો તે એક દવા સમાન છે પરંતુ જો તેનમું વધુ સેવન કરવામાં આવે તો તે ઝેર સમાન છે. છતાં પણ  દારૂ પીનારા વર્ગમાં એક તરફ ભારતમાં જ લિકરનો ઉપયોગ વધી રહ્યો છે. જેને પગલે લિકર કંપનીઓનો વિકાસ પણ થઈ રહ્યો છે. વિશ્વએ પણ દારૂમાં પોતાની અનેક બ્રાન્ડ વિકસાવી છે પરંતુ જે રીતે ભારતની કંપનીઓ પોતાનું પ્રદર્શન કરી રહી છે તે જોતાં આગામી દિવસોમાં આખા વિશ્વના લિકર માર્કેટ પર ભારતની કંપનીઓનો કબજો જામી જાય તો નવાઈ નહીં હોય!

To Top