Top News

More Posts

   The Latest

Most Popular

વીમા રકમની લાલચમાં મોટી બહેન બની હત્યારી, પ્રેમી સાથે મળી નાની બહેનની કરાવી હત્યા

વડોદરા, તા. 13 —
રૂ. 40 લાખની ઇન્સ્યોરન્સ રકમની લાલચે એક પરિવારમાં લોહિયાળ અપરાધ સર્જાયો છે. ગોરવા વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહેતી અજીઝાબાનુ દિવાનની હત્યાના કેસમાં તાલુકા પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, અજીઝાબાનુએ રૂ. 40 લાખની ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારી હતી, જેમાં નોમિની તરીકે મોટી બહેન ફિરોઝાબાનુનું નામ હતું. આ રકમ મેળવવાની લાલચે ફિરોઝાબાનુએ પોતાના પ્રેમી રમીઝ રાજા સાથે મળીને નાની બહેનની હત્યાનો કાવતરું રચ્યું હતું. અગાઉ બે પ્રયાસ નિષ્ફળ ગયા બાદ, ઈ-શ્રમ કાર્ડ કઢાવી આપવાના બહાને રમીઝ અજીઝાબાનુને પોતાની બાઈક પર અંકોડિયા ગામે લઈ ગયો હતો.

અંકોડિયા ગામે પહોંચ્યા બાદ રમીઝે પોતાના જ દુપટ્ટાથી અજીઝાબાનુનું ગળું ઘુંટી ક્રૂર હત્યા કરી હતી. બનાવ બહાર આવતાં તાલુકા તેમજ જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ હત્યારી મોટી બહેન ફિરોઝાબાનુ તથા તેના પ્રેમી રમીઝ રાજાની ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસે આજે આરોપી રમીઝને સાથે રાખી હત્યાના સ્થળ પર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીએ કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તેની વિગતવાર માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

To Top