Top News

More Posts

   The Latest

Most Popular


મ્યુનિસિપલ તંત્રની સુસ્ત કામગીરી, ઉત્તરાયણ પૂર્વે લીધેલા નમૂનાના રિપોર્ટ હજુ આવ્યા નથી !

નાગરિકોના આરોગ્ય પર જોખમ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર શંકા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા ઊંધિયું, જલેબી, ચીકી સહિત વિવિધ ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરી હતી. શહેરની વિવિધ ફરસાણની દુકાનો અને મીઠાઇ ઉત્પાદકોના કારખાનાઓમાં ચેકિંગ કરીને નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જોકે, એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો છતાં આ નમૂનાઓના રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ મોડી કામગીરી આરોગ્ય વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભા કરે છે.

ઉત્તરાયણ તહેવાર દરમિયાન લોકો ઊંધિયું, જલેબી, ચીકી અને અન્ય તહેવારી ખાવાનું વધુ પ્રમાણમાં ખરીદે છે. જો આ ખાદ્ય પદાર્થો નીચી ગુણવત્તાના હોય અથવા ભેળસેળયુક્ત હોય, તો તે જનતાના આરોગ્યને જોખમ ઉભું કરી શકે. મહાનગરપાલિકા દ્વારા લીધેલા નમૂનાઓના રિપોર્ટ હજુ જાહેર કરાયા નથી, જેનાથી નાગરિકોમાં શંકા ઊભી થઈ છે કે આરોગ્ય વિભાગ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સતત જાહેર આરોગ્ય માટે ચિંતિત હોવાનો દાવો કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે તેમની નીચેના અધિકારીઓ અને કર્મીઓ માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે. ખોરાક શાખા ફક્ત તહેવારોના સમયે જ ચેકિંગ હાથ ધરે છે, પરંતુ એ તપાસના પરિણામો જાહેર કરવામાં લાંબો સમય લાગે છે. આરોગ્ય વિભાગના અધિકારી ડૉ મુકેશ વૈદે 20 દિવસ પહેલા જણાવ્યું હતું કે રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ આજ સુધી રિપોર્ટ સામે આવ્યો નથી. આ દાવાઓની સત્યતા અંગે લોકોમાં શંકા વધી રહી છે.

જો નમૂના સબ-સ્ટાન્ડર્ડ નીકળશે અને તે ખાદ્ય પદાર્થ લોકો ઉપભોગ કરી ચૂક્યા હશે, તો તેની જવાબદારી કોણ લેશે ? ફક્ત વેચનારને દોષી ઠેરવવો પૂરતો નથી, મોડી કામગીરી કરનાર આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જવાબદાર ગણવાં જોઈએ. કારણ કે તેમની અનિચ્છા અને ધીમી કામગીરીના કારણે સામાન્ય નાગરિકોએ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે માત્ર ચેકિંગ પૂરતું નથી. જો રિપોર્ટ જાહેર કરવામાં જ વિલંબ થાય, તો તે નમૂનાઓ લેવાનો મતલબ શું ? ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એથોરિટીના નિયમો મુજબ, નમૂનાઓના રિપોર્ટ સમયસર જાહેર થવા જોઈએ અને જો કોઇ પદાર્થ ભેળસેળયુક્ત નીકળે, તો દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ.

To Top