Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો પર તાજેતરમાં લેવાયેલા કડક પગલાં બાદ તેના પડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી કાઢી છે.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. માહિતી અનુસાર એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં પ્રવેશ પર પણ અસર પડી છે. કેનેડા સરકારના ડેટા અનુસાર, 2024 માં કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.

કેનેડા હવે પ્રિય દેશ નથી રહ્યો
કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રિય દેશો રહ્યા છે, જ્યાં તેઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળી ગયો છે. જર્મની ટોચના પ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છે. આ કારણે કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.

કેનેડા શા માટે દરવાજા બંધ કરી રહ્યું છે?
કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિધાર્થીઓ માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત માળખાગત સુવિધાઓ પર દબાણ છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમણે 20,000 કેનેડિયન ડોલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષણ પરિણામો સબમિટ કરવા પડશે.

જર્મની પહેલી પસંદ બન્યું
ભારતીય વિદ્યાર્થીઓની ટોચની પસંદગીમાં જર્મનીએ કેનેડાને પાછળ છોડી દીધું છે અને 31% લોકો તેને પસંદ કરે છે. કેનેડાની પસંદગી 2022 માં 18% થી ઘટીને 2024 માં 9% થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી યુએસ યુનિવર્સિટીઓમાં અરજીઓમાં પણ વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, 2024-25 માં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 32.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એડટેક કંપની અપગ્રેડ દ્વારા ટ્રાન્સનેશનલ એજ્યુકેશન (TNE) રિપોર્ટ 2024-25 જણાવે છે કે યુએસ હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે કુદરતી અને સૌથી પસંદગીનું શૈક્ષણિક સ્થળ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે યુએસ યુનિવર્સિટીઓમાં અરજીઓમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે યુરોપિયન સ્થળો જેમ કે જર્મની (2022 માં 13.2 ટકાથી વધીને 2024-25 માં 32.6 ટકા) અને સંયુક્ત આરબ અમીરાત (જ્યાં 42 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતીય છે) અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છે.

To Top