પ્રત્યેકની સવાર સરસ જ હોય. પંખીઓને કોઈના પણ Good morning (ગુડ મોર્નિંગ) ના મેસેજ મળતા નથી, છતાં તેમની સવાર પણ ‘ટેસ્ટી’ જ હોય છે પણ માણસને આવા મેસેજ મળે તો જ ટાઢક વળે, ના મળે તો ફોન કરીને પૂછે કે, આજે કેમ ગુડ મોર્નિંગ નહિ કર્યું? મેસેજ પણ એક અ-પ્રતિબંધ નશો છે મામૂ..! એમાં ગમતો કે ગમતીનો મેસેજ નહિ મળે તો, સવાર-સવારમાં જ ખુંવાર થઇ જાય, દા’ડો બગડ્યો હોય એવો ઊહાપોહ કરી મૂકે..!
ગુડ મોર્નિંગ ના હવાઈ હુમલા કરવાથી સવાર Good થતી નથી. વાતમાં તથ્ય હોય તો સાથે રહેતાં પતિ-પત્નીએ પણ એકબીજાને ગુડ મોર્નિંગના મેસેજ કરવા જોઈએ. બીજાની પત્નીને મોકલે પણ પોતાનીને નહિ, આવા પણ હશે દાદૂ..! પોતાની વાઈફને મોકલે તો ચાહ પીવા ટાણેના ઝઘડા પણ ટળે! શું કહો છો રતનજી? છાપામાં આવતાં ફરફરિયાં, ને મોબાઈલમાં આવતા સંદેશા, સુંવાળા તો લાગે. નહિ આવે તે દિવસે સુરજ પણ ઊગવાનું ભૂલી ગયો હોય એવો આઘાત લાગે. મોબાઈલ પ્રાણહીન થયો હોય એમ નિર્જીવ લાગે. એ સબ મોબાઈલ સેવાકી કમાલ હૈ મામૂ..!
જ્યાં સુધી, ફેસબુક-વ્હોટસેપ કે ઈનસ્ટાગ્રામની મફતિયા સુવિધા છે ત્યાં સુધી આ ઉછીનો વ્યવહાર તો રહેવાનો. હવાઈ-બાણો છૂટતાં રહેવાનાં. ડાહી ડાહી શિખામણો પણ આવવાની. ભલે ને ખુદના ભેજામાં મંકોડા ફરતા હોય, પણ બીજાના માટે પરદુઃખભંજક બનીને વસંતભાઈ વિક્રમ ને નગીનભાઈ નરસૈંયો બની જાય. ચચરે તો ત્યારે કે, માત્ર આપણે જ સુધરવાના બાકી રહી ગયા હોય એમ, અમુક તો રોજ ચોપડા-ચોપડા મેસેજ મોકલે.
પ્રભુના સાક્ષાત્ દૂત હોય એમ, મિસાઈલ છોડે! રવલો વળી રામાયણની ચોપાઈ મોકલે! હમણાં જો ગાંઠના ગોપીચંદન કરવાના હોય તો, ખબર પડે કે, પર-સેવા કરવામાં પરસેવાન કેમ થવાય! ખુદનું ઘર ‘શકુનિ-હાઉસ’ છે એ નહિ જુએ, પણ આપણી અયોધ્યાને લંકા માને! દીવા તળેના અંધારા, દીવાને થોડા દેખાય? મેસેજ છોડવા એ પણ એક પ્રકારની ખંજવાળ છે મામૂ..! ખણે તો જ રાહત થાય! મેસેજ મોકલવા સારા છે કે ખરાબ એની પૂરી ખબર નથી. પણ એટલી ટિપ્પણ કરી શકું કે, એમનું પ્રયાણ સાચી દિશામાં તો ખરું!
શાસ્ત્રો કહે છે તેમ, તમે જેવું વિચારો તેવા જ બની શકો. એટલે ભવિષ્ય ઉજળું માની શકાય! બાકી, મુદ્દાની વાત કરું તો, ગયા વરસે નવા વર્ષની મને અઢળક શુભેચ્છાઓ મળેલી. છતાં, એક પણ શુભેચ્છા ફળેલી નહિ..! ગાય ઘરમાં આવીને શિંગડે ચઢાવી ગયેલી. હજી વ્યાજના હપ્તા ભરું છું બોલ્લો..! કોઈએ સાચું જ કહ્યું છે કે….
હાથમાં હોય શંકાનો નકશો ને જવું છે શ્રદ્ધા સુધી
પગમાં તો લંકા ખદબદે, ને જવું છે અવધ સુધી
પરિણામ નહિ મળે ત્યારે ઘૃણા તો થાય! સુંદર સવારને ડહોળી નાંખી, એવી ગ્લાનિ પણ થાય. પણ કરીએ શું? લોકો શું કામ ‘ડામર રોડ ઉપર ખેતી કરતા હશે, એવો વિચાર પણ આવે. એવા કલ્યાણકારી મેસેજ મોકલે કે, જાણે એ જ પહેલો ને છેલ્લો જ્ઞાની ના હોય? પણ આપણેય અસરાની જેવા, “હમ નહિ સુધરે તો આપ કૈસે સુધરોગે? અહાઆઆઆ..!”
ચમન-ચલ્લી ઉર્ફે ચમનિયાને તો તમે ઓળખો છો. બંદાએ એક પણ કથાકારને સાંભળવાનો બાકી રાખ્યો નથી. એક પણ કુંભમેળામાં ન્હાયા વગર આવ્યો નથી ને એક પણ ભંડારો ઝાપટ્યા વગરનો છોડ્યો નથી. પણ વાત છેડે ત્યારે સંતો, મહાત્મા ને ભક્ત શ્રવણની છેડે. આવા પરદુઃખભંજકના, ચોપડા-ચોપડા મેસેજ આવે ત્યારે, ગાલ ઉપર ગુમડાં ઊઠવા માંડે દાદૂ..! એટલા માટે કે, ખુદનાં માબાપ ઘરડાઘરમાં ઘરડાં થતાં હોય ને, મા-બાપની સેવા કેમ કરવી તેના શંખ ફૂંકે! બિલકુલ હાથી જેવો, ચાવવાના જુદા ને બતાવવાના જુદા! એટલે તો લોકોએ હવે એને ‘ચમન-ચલ્લી’ને બદલે, પ.પૂ.ધ.ધૂ. (પરમ પૂજ્ય ધર્મ ધુરંધર) અજ્ઞાનસાગરથી ઓળખવા માંડ્યો! સંદેશા મોકલવામાં એવો શૂરો કે, સવાર મોડી પડે, પણ એની શુભેચ્છા મોડી નહિ પડે. ક્યારેક તો સંદેશાઓ, રાતની ફ્લાઈટ પણ પકડે! એના કપાળમાં કાંદા ફોડું, આવાં લોકોએ તો ત્રિકાળ સંધ્યાનું આખું સ્વરૂપ બદલી નાંખ્યું.
કરાગ્રે વસને ફેસબુકમ, કર મુલે વ્હોટસેપમ
કર મધ્યે તુ ઇન્સ્ટાગ્રામ પ્રભાતે કર દર્શનમ્
દરેકને અનુભવ હશે કે, સવાર પડે એટલે મોબાઈલમાં શુભેચ્છાનો કુંભમેળો ભરાવા માંડે. અમુક પાસે તો બ્રહ્માંડનો આધારકાર્ડ હોય એમ, એવું લખે કે, ‘આ મેસેજ સાત જણાને ‘શેર’ કરજો. તમારાં તમામ સંકટો ચપટીમાં દૂર થશે!’ ધંતુરા…! મોટામાં મોટું સંકટ તો તું જ છે, પણ આપણે એવાં પલળી જઈએ કે, ૭ ને બદલે ૧૭ ને શેર કરીએ. હમણાં જ એક શુભેચ્છકનો મેસેજ આવ્યો કે, ‘ઘૂંટણ ટણક મારતા હોય, તો પગને સીધી લીટીમાં આસમાન તરફ ૨૦ મિનીટ સુધી લંબાવો, તમારો બેડો પાર થઇ જશે.’ તેમ કરવામાં અમારો રતનજી લાંબો થઇ ગયો બોલ્લો..! એની કેડનું કચુંબર વળી ગયું..! કેડના ચસકા હજી ટણક મારે છે. અમુક તો યાર સલાહ આપવા જ પૃથ્વી ઉપર આંટો મારવા આવ્યા હોય એમ, સલાહનો પેટારો માથે લઈને જ ફરતા હોય..! એની જાત ને…!
વાત જાણે એમ છે કે, હનુમાન ચાલીસા વાંચતો હતો તેમાં ‘જ્ઞાન ગુણ સાગર’ શબ્દ વાંચીને ‘ક્લિક’ થયું કે, હનુમાનજી કેવા સુપર-દેવ હતા..? અને આપણે કેવા અજ્ઞાન મહાસાગર..? લંકામાં સોનાનો ચળકાટ જોઇને હનુમાનજી સહેજ પણ ડગેલા નહિ, સોનાની લંકા બાળીને આવેલા..! ને આપણે લોકોનું સોનું જોઇને જીવ બાળીએ..! હનુમાનજી તો મા સીતાને શોધી લાવેલાં, ત્યારે આપણે, કોઈની ઉઠાવી લાવવામાં માહિર.! હનુમાનજી અનેક સિદ્ધિના જ્ઞાતા, ને આપણે પ્રસિદ્ધિનાં માંધાતા..! સિદ્ધિના વિનાયક કરતાં ખલનાયક વધારે..! સારું છે કે, હવે સમુદ્રમંથન થતું નથી. નહિ તો વ્હોટશેપ યુનિવર્સિટીના ગુડ મોર્નિંગ અને ડહાપણિયા સંદેશાના તાકા ને તાકા સમુદ્રમાંથી નીકળે..! ખોટું હોય તો મારી પેન્સિલ ને તમારું રબ્બર..!
એક પણ માણસ એવો ના હોય કે, જેના મોબાઈલમાં પ્રભાતિયાનાં કે, ગુણિયલ સુવિચાર આવ્યા ના હોય..! આવાં લોકો સબ બંદરકા વેપારી..! તક મળે તો, કોઈ પણ વિષય ઉપર સલાહ આપવાના માહિર..! પોતાના હાડકે ભલે પીઠી ના લાગી હોય, છતાં લગન ઉપર પણ ફિલોસોફી ઠોકે કે, ‘લગન પહેલાં બે આત્માનું મિલન કહેવાતું, આજે તો દરજી-ફોટોગ્રાફર-બ્યુટીપાર્લર અને એ બે આત્મા મળી, પાંચ આત્માનાં મિલન થાય, તો જ લગન લેવાય. એની જાતને, કન્યા વિદાય વખતે જો કન્યાના બાપા ‘કટપીસ’ જેવું રડે, તો તેને પણ સલાહ આપે કે, આવું ટુચુ-ટુચુ નહિ રડવાનું, તમે તો કન્યાના બાપ છો. મુસળધાર રડવાનું. લોકોને લાગવું જોઈએ કે, તમે બહુ દુ:ખી છો. તારા કપાળમાં કાંદા ફોડું..!
લાસ્ટ બોલ
તમને પણ કહી દઉં….
મોબાઈલના મેસેજમાં પણ આજકાલ ‘ચીટીંગ’ બહુ ચાલે છે..! ક્યારેક મોબાઈલમાં ‘Battery law’ નો મેસેજ પણ આવે. એ મેસેજ ‘wrong’ પણ હોય..! માટે મોબાઈલ ચાર્જમાં મૂકવા નહિ જવાનું. સંભવ છે કે, મોબાઈલ ધારકના પ્રેમલા પ્રેમલીનો પણ મેસેજ હોય..! જેણે પ્રેમીના નામને, મોબાઈલમાં ‘battery law’ થી નોંધણી કરી હોય.! તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.