Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: અમદાવાદ શહેરના ખોખરા મણિનગર વિસ્તારની સેવન્થ ડે હાઇસ્કુલ સરકારે હસ્તગત કરી લીધી છે. આ શાળાના વહીવટદાર તરીકે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને નીમવામાં આવ્યા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આ હાઈસ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ આ શાળા વિવાદમાં આવી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડીને સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આ શાળાનો વહીવટ જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદને સોપવામાં આવ્યો છે. સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલ આઈસીએસઈ બોર્ડ સંલગ્ન ધોરણ 1થી 12 અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની કાર્યરત શાળા છે. આ શાળામાં અગાઉ ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાથી તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ શાળા સામે કાર્યવાહી કરવા જુદી જુદી રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદને તપાસ સોંપી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આ અહેવાલના પગલે તેમજ નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીના અભિપ્રાય બાદ સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલની માન્યતા અને જોડાણ તેમજ વધારાના વર્ગો માટેની પરવાનગી બાબતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું.

શાળાના મેનેજમેન્ટ દ્વારા અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યાનું સામે આવતા કાર્યવાહી

મેનેજમેન્ટ, ટ્રસ્ટ અને શાળાના પરિસરમાં ફેરફાર બાબતે શાળા મંડળ દ્વારા પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું. આ ઉપરાંત કેટલીક જોગવાઈઓનો સ્પષ્ટ ભંગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા, તેમજ ટ્રસ્ટ, સોસાયટી બાબતે અસ્પષ્ટતા, શાળામાં પુસ્તકોનું વેચાણ અને નફાખોરી, શાળામાં શિફ્ટ ચલાવવા માટેની મંજૂરીનો અભાવ અને ભાડાકરાર કરારનો ભંગ જેવી બાબતોની જોગવાઈઓનું પાલન નહીં કરાયું હોવાથી આ શાળા સરકાર હસ્તક લેવાની જોગવાઈના નિયમો મુજબ શાળાનો વહીવટ સરકાર હસ્તક લઇ આ શાળામાં હાલમાં ભણતા 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ શાળામાં કોઈપણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

To Top