તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાસ કરીને દિવાળી પહેલાં શહેરના બ્રીજ, રોડ ડિવાઈડર વગેરેને કલર કરી નવો ઓપ આપવામાં આવે છે. જે તહેવારને વધુ રંગીન બનાવે છે. પણ પાન, માવા, ગુટખા, તમાકુ ખાઈને જયાં ત્યાં પિચકારી મારનારને રંગીન દિવાલની સુંદરતા કે સફાઈ સાથે કોઈ મતલબ નથી.એને તો ટનબંધી થૂંક ઠાલવવામાં જ રસ છે. પુલના એક છેડા પર કલરકામ ચાલુ હોય જે બીજા છેડે પહોંચે તે પહેલાં જ કરેલ કલર પર ફરી પાન, ગુટખા, તમાકુની પિચકારીઓ ઊડવા માંડે છે.કોઈ રોકનાર નથી કોઈ ટોકનાર નથી કે નથી કોઈ દંડનાર! પિચકારીના શોખીન, બેજવાબદાર લોકોને પકડી દંડ વસુલવામાં આવે તો દર વર્ષે પાલિકા દંડની રકમથી જ કલર કરાવી શકે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પુલની વાત છોડો, મોટી મોટી કચેરીઓ જે બહુમાળી મકાનોમાં આવેલ છે તેના દાદરોના ખૂણા પણ પિચકારીથી ખરડાયેલા છે.
આવાં લોકોને અટકાવવા માટે ભગવાનની તકતીઓ લગાવામાં આવે છે. પિચકારી મારનાર ત્યાં પણ થૂંકતા અચકાતો નથી.એ લોકો મોઢામાં ઠૂંસેલો કચરો તો થૂંકીને કાઢે છે પણ મનની (વ્યસનની )સ્વચ્છતાનું શું? સ્વચ્છતા સર્વેક્ષણમાં આ પિચકારી આવતા વર્ષે કદાચ રેન્કમાં સુરતને પાછળ રાખવામાં નિમિત્ત બની શકે છે! જો કે સ્વચ્છતા રેન્કમાં સુરતે સતત ત્રીજી વખત બીજો ક્રમ પ્રાપ્ત કરી ગૌરવ પ્રદાન કર્યું છે. પરંતુ કચરાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય !(પૉશ વિસ્તારોને બાદ કરતા) જયાં છે ત્યાં ઢગલાબંધ છે જ. સ્વચ્છતા માટે વધુ લોકજાગૃતિ જરૂરી નથી લાગતી? જો તેમ થાય તો ક્રમ ગૌણ બની જાય,સ્વચ્છતા આપોઆપ આવે અને અભિયાનો બંધ થાય! (ખર્ચાઓ બંધ થાય)
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.