વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલ હાલમાં જ બ્યુટીફીકેશન કરાયેલ વડોદરા શહેરની શાન સમા સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત અવસ્થામાં મળી આવતા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સંચાલકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. સુરસાગર તળાવ ખાતે મંગળવારે એક કાચબો મૃત અવસ્થામાં તણાઈ આવતા ફરજ પર હાજર સિક્યુરિટીના જવાને આ અંગેની જાણ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા ના અગ્રણી રાજેશ ભાવસારને કરી હતી. જે અંગે તત્કાલ સંસ્થાના કાર્યકર સુરસાગર તળાવ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા કાચબો ખુબ જ ખરાબ અવસ્થામાં મૃત હાલતમાં જણાઈ આવ્યો હતો.જેથી તુરંત જ સાવચેતીપૂર્વક તે કાચબાને પાણીની બહાર કાઢીને વન વિભાગને સોંપ્યો હતો. છેલ્લા બે મહિનામાં સુરસાગર તળાવમાંથી પાંચથી છ કાચબાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા છે.
આ અંગે ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે સુરસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે.જેના કારણે આ પહેલા પણ કાચબાઓના મોત નિપજ્યા છે.આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ અધિકારીએ જવાબદારી લેવા માટે તકેદારીના પગલાં લેવા માટે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.જો હજી ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં જળચર જીવો ના મોત થશે. વહેલી તકે તળાવની સાફ સફાઈ કરવામાં આવે તેમજ કયા કારણો સર જળચર જીવોના મોત નિપજી રહ્યા છે તેની તપાસ કરવા માંગણી કરી હતી.