આણંદ : આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી તેના પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વિકાસ કામોમાં આડોડાઇ ઉપરાંત હવે પ્રાથમિક સુવિધા આપવામાં પણ અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા એક વરસથી અહીં સ્ટ્રોમવોટર ડ્રેનેજ, પાણીની લાઇન, રાઇઝીંગ લાઇનની કામગીરી ચાલી રહી છે. મંથરગતિથી ચાલતા આ કામમાં પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મીલીભગતથી સતત બીજા ચોમાસામાં હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. તેમાંય એક મહિનાથી દુષિત પાણીના કારણે ઘરે ઘરે માંદગીના ખાડલા મંડાણા છે. જેને કારણે રોષે ભરાયેલી ગૃહિણીઓએ બુધવારના રોજ દુષિત પાણી રસ્તા પર ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો.
આણંદ શહેરના મોટી ખોડીયાર રોડ, ગંગદેવનગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી મંદગતીએ સ્ટ્રોમવોટર ડ્રનેજ પાણીની લાઇન, રાઇઝીંગ લાઇનની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગના લકો રહે છે. અહીં છેલ્લા ઘણા વરસોથી આણંદ પાલિકાના અધિકારીઓ ભેદભાવ તથા વ્હાલા દવલાની નીતી રાખીને પ્રાથમિક સુવિધાઓ આપવામાં અન્યાય કરી રહ્યાં છે. તેમાંય છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દુષિત પીવાનું પાણી આવી રહ્યું છે. આ બાબતે ચીફ ઓફિસર, હાઈડ્રોલીક એન્જિનીયર, કોન્ટ્રાક્ટર વિગેરે લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
આ તમામ અધિકારીઓએ 6ઠ્ઠી મે, 2021ના રોજ રૂબરૂ સ્થળ પર પાણી લીકેજીંગ બતાવ્યું હતું. પરંતુ એક મહિનો થવા છતાં કોઇ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી, પાલિકાના કર્મચારી કે પોતાની ફરજ પ્રત્યે ગંભીરતા દાખવેલ નથી. આ વિસ્તારમાં હાલ ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આથી, પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર પોતાની ફરજ બજાવવા નિષ્ફળ નિવડ્યાં છે. તેમની ભુલના કારણે હાલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આથી, બેદરકારી દાખવનારા લાગતા વળગતાઓ સામે ખાતાકીય તપાસ કરી કાનુની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.