એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને જીવનમાં જીતનું મહત્ત્વ અને જીતવા માટે શું કરવું તે કહેવાનો છું તે સદા યાદ રાખજો.’બધા શિષ્યો ગુરુજી આગળ શું કહે છે તે સાંભળવા આતુર બન્યા. ગુરુજીએ કહ્યું , ‘હંમેશા સજાગ રહેજો અને તમારા દુશ્મનોને બરાબર ઓળખી લેજો અને દુશ્મનોથી ચેતતા રહેજો અને જયાં સુધી તેમને હરાવો નહિ ત્યાં સુધી શાંતિથી બેસતા નહિ.દુશ્મનોને હરાવી, તેમની પર જીત મેળવીને જ રહેજો.’ ગુરુજીની આ વાત સાંભળી બધા શિષ્યોને નવાઈ લાગી કે આમ તો ગુરુજી સંપ અને ભાઈચારાની વાતો શીખવે છે …બધા જોડે પ્રેમથી રહેવાનું અને જીવમાત્ર પર દયા રાખવાનું શીખવે છે…તો પછી જીવનમાં મિત્રતા ..સંબંધો અને પ્રેમનું જ મહત્ત્વ હોય તો પછી આજે આ દુશ્મનો જોડે દુશ્મનાવટ નિભાવવાની ..તેમને હરાવવાની વાત કેમ? એક શિષ્યે હિંમત કરી પૂછ્યું, ‘પણ ગુરુજી, તમે તો કહો છો બધા પર પ્રેમ રાખો …જીવમાત્ર પર દયા રાખો ..એકતા રાખો તો પછી એવું જીવન જીવીએ બધાને પ્રેમ કરીએ તો દુશ્મન અને દુશ્મનાવટની વાત જ ક્યાં આવે?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, જરા ધીરજ ધર ,મેં દુશ્મનો જોડે લડવાનું કહ્યું છે …દુશ્મનોને ઓળખવાનું કહ્યું છે પણ આ દુશ્મનો કોણ છે તેની વાત હજી કરી નથી.શિષ્યો યાદ રાખજો, જીવનમાં તમારા કોઈ દુશ્મન તમારી બહાર નથી …તમારી સામે નથી ..જીવનમાં જે તમારા વાસ્તવિક દુશ્મન છે …જે તમને હરાવે છે …જીવનમાં પાછળ પાડે છે તે બધા જ દુશ્મનો તમારી અંદર રહે છે.’ ગુરુજીની વાત સાંભળી શિષ્યોની આતુરતા વધી કે આપની અંદર કયા દુશ્મનો રહેલા છે.
ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો, આપણા બધાની અંદર નફરત, ગુસ્સો ,અહંકાર ,લોભ,ડર, આળસ જેવા દુશ્મનો રહેલા છે.જે આપની ઉપર એકસરખો સતત હુમલો કરે છે અને આપણને અંદરથી ખોખલા બનાવે છે …જીવનમાં આગળ વધતાં અટકાવે છે.તમારે બધાએ સૌથી પહેલાં જાગૃત થઇ તમારી અંદર કયો દુશ્મન રહેલો છે તે શોધવાનું છે ..દુશ્મનને ઓળખી લીધા બાદ તેને હરાવવા માટેના પ્રયત્નો કરવાના શરૂ કરી દેવાના છે… તમારી અંદર રહેલા દુશ્મનને હરાવવો સામે રહેલા દુશ્મનને હરાવવા કરતાં ઘણું અઘરું છે કારણ કે તેમાં તમારે તમારી જાત સાથે લડવાનું છે.જે દુશ્મન વર્ષોથી તમારી અંદર છે તે કંઈ એક વારમાં દૂર નહિ થઈ જાય. તમારે તેની સામે સસ્ત લડતાં રહેવું પડશે અને મેં પહેલાં કહ્યું તેમ જયાં સુધી જીત મળે નહિ ત્યાં સુધી લડત ચાલુ રાખવી પડશે.જયારે તમે આ અંદર રહેલા દુશ્મનોને હરાવી દેશો ત્યારે તમે જીવન જીતી જશો.’ગુરુજીએ શિષ્યોને જીવન જીતવા માટે કોની સામે લડવાનું છે તે શીખવ્યું.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.