SURAT

દિકરીના લગ્નમાં અનાથ બાળકોને મહેમાન બનાવી, ભેટ આપી અનોખો કરીયાવર કરાયો, સુરતના પરિવારનું ઉમદા કાર્ય

સુરત: સમાજમાં દરેક પરિવાર માટે લગ્નપ્રસંગ એટલે જીવનનો મોટામાં મોટો પ્રસંગ હોય છે. આવો જ એક પ્રસંગ શહેરના પાલમાં રહેતા એક પરિવારની દીકરીના લગ્નપ્રસંગમાં કતારગામના મહાજન આશ્રમ બાળાશ્રમના બાળકોને આમંત્રણ આપીને 1.11 લાખનું દાન આપીને સમાજને એક નવો માર્ગ બતાવ્યો છે.

શહેરના પાલ સ્થિત રાજગ્રીન હીલ્સમાં રહેતા નારણભાઇ નથુભાઇ ડાંખરાના પરિવારની દીકરી રિધ્ધીના લગ્ન પ્રસંગ અનોખી રીતે યોજાયો હતો. આ પરિવારે લગ્નપ્રસંગે કતારગામના મહાજન અનાથ બાળાશ્રમ પરિવારના તમામ ટ્રસ્ટી, મંડળનાં સભ્યો તેમજ આ અનાથ બાળાશ્રમમાં રહેતા તમામ બાળકોને આમંત્રણ આપ્યું હતું. તેમણે દરેક બાળકોને ભોજન, ગરબા રમાડીને અને ગ્રીફટ આપીને આનંદ કરાવ્યો હતો. વધુમાં બાળાશ્રમનાં બાળકોના શૈક્ષણિક અને અન્ય વિકાસ માટે રૂ.1,11,111 નો ચેક દાનરૂપે આપી શહેરીજનોને એક અનોખો રાહ બતાવ્યો છે. આ સહાય બદલ તમામ ટ્રસ્ટીગણ તેમજ હોદેદારોએ સંસ્થાવતી નારણભાઇ ડાંખરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજે જ્યારે લગ્નોમાં ભારે ભપકાં અને લાખો કરોડ રૂપિયાના ખર્ચા કરીને દેખાડા કરવામાં આવી રહ્યાં હોય છે ત્યારે પાલના ડાંખરા પરિવારે સમાજ માટે પ્રેરણાદાયી અને ઉદાહરણીય કાર્ય કરી દેખાડયું છે. ગરીબ, અનાથ બાળકોને મહેમાન તરીકે આમંત્રણ આપી ડાંખરા પરિવાર પરિવારથી વિખૂટા પડેલાં અને એકલવાયું જીવન જીવતા બાળકોને જે ખુશીની પળો ડાંખરા પરિવારે આપી તે તેઓ માટે અમૂલ્ય બની રહી હતી.

Most Popular

To Top