SURAT

બુલેટ સ્લીપ થઈ જતા ભરૂચના યુવકનું મોત થયું, પરિવારે એવું કામ કર્યું કે લોકોએ સલામ કરી

સુરત: બુલેટ સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજાઓ થતા ભરૂચના 24 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું છે. આ યુવકના મોત બાદ તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લેતા મૃત યુવકના હૃદય અને ફેંફસાનું અન્ય જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતના કોસંબાના 22 વર્ષીય યુવકને હૃદય અને અમદાવાદની 40 વર્ષીય મહિલાના શરીરમાં ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાતા બંનેને નવું જીવન મળ્યું છે.

આ બનાવની મળતી વિગત અનુસાર ભરૂચનો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. ૧૩ માર્ચના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પોતાની બુલેટ પર સુણેવ ગામથી પોતાના ગામ હજાત જઈ રહ્યો હતો ત્યારે તરીયા બસ સ્ટેન્ડ, સાજોદ પાસે તેનું બુલેટ સ્લીપ થઇ જતા, તે બુલેટ પરથી નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો.

પરિવારજનોએ તેને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલા જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમા સોજો હોવાનું નિદાન થયુ હતું. પરિવારજનોએ તેને વધુ સારવાર માટે રાત્રે ૧૧:૩૦ કલાકે સુરતની એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

મગજમાં સોજો વધુ હોવાથી ડોક્ટર દ્વારા ઓપરેશન માટે સલાહ આપવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા જ સારવાર દરમિયાન ૧૫ માર્ચના રોજ રાત્રે ૨:૦૦ કલાકે શૈશવનું હૃદય બંધ થઇ જતા એને CPR આપીને હૃદયને પાછુ ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની તબિયત બગડતા તા. ૧૭ માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

મૃત યુવકના પરિવારે જાતે જ અંગદાન માટે ડોનેટ લાઈફને ફોન કર્યો
વાલીયાના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમા અને શૈશવની બહેન નિધીએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈશવના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શૈશવના માતા મનીષાબેને પોતાના હૃદય પર પત્થર મુકીને રડતા રડતા જણાવ્યું કે જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો. શરીર રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે. શૈશવના પરિવારમાં તેના માતા પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બહેન નિધી દહેજમા આવેલા દીપક ફાઉન્ડેશન નામની સંસ્થામાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવે છે.

કોસંબાના 22 વર્ષીય યુવકના શરીરમાં શૈશવનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
એઈમ્સ્ હોસ્પિટલ થી મહાવીર હોસ્પીટલનું ૧૩ કિલોમીટરનું અંતર ૧૫ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી, ઉ.વ. ૨૨ વર્ષીય યુવકમાં મહાવીર હોસ્પીટલમાં ડૉ. અન્વય મુલે અને ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

જ્યારે એઈમ્સ હોસ્પિટલથી અમદાવાદની K.D હોસ્પિટલ સુધીનું ૨૭૬ કિલોમીટરનું અંતર ૧૦૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની K.D હોસ્પિટલમાં અમદાવાદની રહેવાસી, ઉ.વ. ૪૦ વર્ષીય મહિલામાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં અમદાવાદના રહેવાસી ઉ.વ. ૬૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.

સુરત ડોનેટ લાઈફ દ્વારાની પ્રશંસનીય કામગીરી
સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ પિસ્તાળીસમી અને ફેફસાના દાન કરાવવાની પંદરમી ઘટના છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૮૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૫૪ કિડની, ૧૯૪ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૫ હૃદય, ૩૦ ફેફસાં, ૪ હાથ અને ૩૫૪ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૦૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Most Popular

To Top