સુરત : સુરતથી ફેંફસાના દાનની એકવીસમી ઘટના સામે આવી છે. વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. માહ્યાવંશી સમાજના રેખાબેન કિશોરભાઈ રાણા (ઉં.વ 47) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી રેખાબેનના ફેંફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ ધનસુરા, સાબરકાંઠાની રહેવાસી 37 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફેંફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ડોનેટ લાઈફના નિલેશ માન્ડલેવાળા એ જણાવ્યું હતું કે સ્વ. રેખાબેન કિમમાં હીરાપન્ના સોસાયટી વિભાગ-1માં રહેતા હતા અને ઘર નજીક આવેલી બિસ્કીટની ફેકટરીમાં પેકિંગનું કાર્ય કરતા હતા. 7 નવેમ્બર ના રોજ મળસ્કે 3:30 કલાકે ખેંચ આવતા પરિવારજનોએ તેમને સાયણ જીવન રક્ષા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે તા. 10 નવેમ્બરના રોજ સુરતની શેલ્બી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. MRI કરાવતા બ્રેઈન સ્ટોક હોવાનું સામે આવ્યું હતું. આથી વધુ સારવાર માટે પરિવારજનો BAPS પ્રમુખસ્વામી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાને લીધે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. 14 નવેમ્બર ના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. 15 નવેમ્બરના રોજ રેખાબેન ને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.
સ્વ.રેખાબેનના પતિ કિશોરભાઈ કીમ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવે છે, તેમને જણાવ્યું કે જયારે ડોક્ટરોએ મારી પત્ની રેખાને બ્રેઈન ડેડ જાહેર કરી ત્યારે મે હોસ્પિટલમાં અંગદાન જીવનદાનનું પોસ્ટર જોયું હતું ત્યારે અમને લાગ્યું કે મૃત્યુ પામ્યા પછી શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારી પત્નીના અંગોના દાન થકી જેટલા પણ અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ કાર્ય ન હોઈ શકે.
રેખાબેન ના પરિવારમાં તેમના પતિ કિશોરભાઈ (ઉં.વ. 52) જેઓ કીમ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવે છે, પુત્ર જેવિન (ઉ.વ 25) જેઓ કીમમાં આવેલ સુમીલોન ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિશયન તરીકે ફરજ બજાવે છે અને પુત્રી જીતિક્ષા (ઉં.વ. 22) છે.