શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસના ફક્ત એકજ નેતાને આ ભોજન સમારંભનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે છે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું અને તેમને તેમની કારમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને લઈ ગયા. ત્યાં પીએમ મોદીએ પુતિન માટે એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું. શુક્રવારે પુતિન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ અને અનેક મહત્વપૂર્ણ કરાર થયા. શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ભોજન સમારંભનું આમંત્રણ મળ્યું નથી. અહેવાલો અનુસાર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ભોજન સમારંભમાં હાજરી આપશે.
થરૂરને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું?
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજન માટે આમંત્રણ મળ્યું નથી. શશિ થરૂરને વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.