છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામે લડી રહેલા વિશ્વને હવે વેક્સિનને કારણે કોરોનામાંથી રાહત મળી રહી છે. અનેક દેશમાં વેક્સિનેશનને કારણે લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને હવે આ દેશમાં લોકો પૂર્વવત્ત જીવન જીવવા માંડ્યા છે. ભારતમાં પણ લોકોને માસ્કમાંથી મુક્તિ મળી શકે છે અને લોકો ફરી રોજીંદુ જીવન જીવી શકે છે પરંતુ તેના માટે સરકાર કે લોકોની તૈયારી નથી. સરકાર દ્વારા કોરોના સામેની વેક્સિનના પૂરતા ડોઝ આપવામાં આવતાં નથી અને સામે લોકો એટલા ડોઝ લેતાં નથી. ભારતના અનેક વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને રસી લેતાં નથી. જે લોકો રસી લેવા માટે તૈયાર છે તેમને રસી મળતી નથી. કેટલાક લોકો રસી લેવાથી ગભરાઈ રહ્યાં છે. કારણ કે વેક્સિનના મામલે અનેક ખોટા ખ્યાલ પ્રવર્તતી રહ્યાં છે. લોકો એવું સમજી રહ્યાં છે કે કોરોનાની રસીથી મોત થાય છે. એવો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો કે વેક્સિન લેવાથી 488 લોકોના મોત થઈ ગયા છે. પરંતુ આ પ્રચારનો ભાંડો ફૂટી ગયો છે. વેક્સિન લીધા બાદ માત્ર એકનું જ મોત થયું છે. આખા દેશમાં આશરે 24 કરોડ લોકોને રસી આપવામાં આવી છે અને જો તેમાંથી એકનું જ મોત થયું હોય તો રસી લીધા બાદનો મૃત્યુંઆંક 0.0002 ટકા જેટલો ગણી શકાય. જે બતાવે છે વેક્સિને કેટલી સુરક્ષિત છે.
તાજેતરમાં કોરોનાની રસીથી મોત થયાની કેન્દ્ર સરકારે પુષ્ટિ પણ કરી હતી. જોકે, કેન્દ્ર સરકારે સાથે સાથે એવું પણ કહ્યું છે કે કોરોનાની વેક્સિન લીધા બાદ મૃત્યુંનું જોખમ નહિવત્ત છે ત્યારે દરેક વ્યક્તિએ વેક્સિન લઈ લેવી જરૂરી છે. જે વ્યક્તિનું કોરોનાની રસી લીધા બાદ મોત થયું તેણે 8મી માર્ચના રોજ રસી લીધી હતી. આ વ્યક્તિને એનાફિલેક્સિસ નામની જીવલેણ એલર્જીની બીમારી હતી. આ બીમારીને કારણે આ 68 વર્ષિય વ્યક્તિનું મોત થયું છે. કેન્દ્ર સરકારે જે સમિતી બનાવી છે તે સમિતીએ વેક્સિન લીધા બાદ થયેલા 31 મૃત્યુનો અભ્યાસ કર્યો હતો. જેમાં માત્ર 1નું જ મોત વેક્સિનને કારણે થયાનું સરકારે જણાવ્યું છે. સમિતીએ એવી સલાહ પણ આપી છે કે વેક્સિનનો ડોઝ લીધા બાદ અડધો કલાક સુધી જે તે સેન્ટર પર રાહ જોવી હિતાવહ છે કારણ કે જો વેક્સિનનું રિએકશન આવે તો તુરંત તે વ્યક્તિને સારવાર આપી શકાય અને તેનો જીવ બચાવી શકાય.
વિશ્વમાં જેટલી પણ વેક્સિન બની તેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિનને વધુ સુરક્ષિત ગણાવવામાં આવી છે. સરકારે સરકારી કેન્દ્રની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિન ઉપલબ્ધ કરાવી છે. ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન માટે નાણાં ચૂકવવા પડી રહ્યાં છે. આ કારણે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનનું પ્રમાણ એટલું નથી. જોકે, લોકોએ સરકારી કે પછી ખાનગી, જ્યાં પણ વેક્સિન ઉપલબ્ધ થાય ત્યાં વેક્સિન લેવી જરૂરી છે. હાલમાં 18થી 44 વર્ષની વ્યક્તિ માટે ગુજરાતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું હોવાથી આ વયમાં એટલું વેક્સિનેશન થઈ રહ્યું નથી. જ્યારે 45થી વધુ વયના લોકોમાં મોટાપાયે વેક્સિનેશન થઈ રહ્યું છે. જોકે, સરકારે વેક્સિનેશનની સ્પીડ હજુ પણ વધારવાની જરૂરીયાત છે. લોકોએ પણ વેક્સિનેશન માટે એટલી જ ઉત્સુકતા બતાવવાની જરૂરીયાત છે. વેક્સિનથી કોઈનું મોત થતું નથી. કોરોનામાંથી જલ્દી છૂટકારો જોઈતો હોય તો વેક્સિનેશન પહેલી જરૂરીયાત છે.
હાલમાં દેશમાં કોરોનાના જે કેસ ઘટી રહ્યાં છે તેમાં વેક્સિનેશનનો મોટો ભાગ છે. વેક્સિનેશનને કારણે કોરોનાનો સ્પ્રેડ મોટા પ્રમાણમાં થતો અટક્યો છે અને તેનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. ભારતની સાથે ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 300થી પણ ઘટી ગયો છે. સુરતમાં કોરોનાના કેસનો આંક 50થી અંદર આવી ગયો છે. આ કારણે જે લોકો વેક્સિને લેવામાંથી બાકી છે તે તમામ ઝડપથી વેક્સિને લઈ લે તે જરૂરી છે. હજુ પણ વેક્સિનના ડબલ ડોઝ લેનારા લોકોની સંખ્યા ઓછી છે પરંતુ સમય જતાં તેમાં વધારો થઈ જશે. સરકારે લોકો વેક્સિને લે તે માટે વિદેશોની જેમ ઓફરો પણ આપવી જોઈએ. જો તમામ લોકોનું વેક્સિનેશન થઈ જશે તો ભારતમાંથી કોરોના નાબુદ થઈ જશે તે નક્કી છે.