સુરત(Surat) : મહિધરપુરામાં રહેતા યુવકે (Young Man) ફેસબુકમાં (Facebook) મેન્સ ક્લોથના (Men Clothes) પેજ ઓપન કરી રૂ.1 હજારની કિંમતનાં કપડાં મંગાવ્યાં હતાં અને એડ્વાન્સ રૂ.500 આપી દીધા હતા. બાદમાં આ યુવકના ઘરે કપડાંની ડિલિવરી નહીં થતાં મેન્સ ક્લોથની સામે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મહિધરપુરા, લાલ દરવાજા મોટી શેરી ખાતે રહેતા ચીરાયુ અમીત પટેલ (ઉં.વ.૨૧) નામના વિદ્યાર્થીએ અઠવાડિયા પહેલાં ફેસબુક ઓપન કર્યું ત્યારે મેન્સ ક્લોથના નામે કપડાંની જાહેરાત આવી હતી. ચીરાયુએ આ પેજ ઓપન કરી વિવિધ કંપનીના રૂ.એક હજારની કિંમતનાં કપડાં ઓર્ડર કર્યાં હતાં. આ માટે કંપની તરફથી એડ્વાન્સમાં રૂ.500 માંગવામાં આવતાં ચીરાયુએ 500 ટ્રાન્સફર કરી આપ્યા હતા. અઠવાડિયા છતાં પણ કપડાંની ડિલિવરી થઇ ન હતી. ત્યારબાદ ફેસબુકમાં જઇ ફરીવાર ઓર્ડર ચેક કરવામાં આવતાં મેન્સ ક્લોથની સાઇડ જ આવતી ન હતી. પોતાની સાથે ઠગાઇ થઇ હોવાથી ચીરાયુએ મહિધરપુરામાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવા ક્રિપ્ટો એક્સચેન્જના નામે સગરામપુરાના વેપારી પાસેથી 2.32 કરોડનું રોકાણ કરી ઠગાઇ
સુરત : નવું ક્રિપ્ટો એક્સચેન્જ શરૂ થવાનું છે કહીને વરાછાના વેપારી પાસેથી રૂા. 2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત નવા કોઇનની સાઇટ બંધ કરી ફરાર થઇ જનાર દિલ્હીના આરોપી સહિત ચારની સામે ગુનો દાખલ થયો છે. નવો કોઇન લોન્ચ કરવા માટે મલેશિયામાં ઇવેન્ટ રાખવામાં આવી હતી જેના કારણે રોકાણકારોન આકર્ષાયા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સગરામપુરા કાળા મહેતાની શેરી રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સીમાં રહેતા સુશીલ દિપકભાઇ ડોક્ટર કન્સ્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા છે. 2017માં તેમના મિત્ર દિવ્યેશ ધ્રુવે નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષકોઇન વિશે માહિતી આપી હતી. આ કોઇનમાં દોઢ વર્ષમાં જ બે ગણા રૂપિયા થઇ જવાની વિવિધ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ, સુપર ડાયમંડ જેવી સ્કીમો આપવામાં આવી હતી. નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષ કોઇનનું કામકાજ સંભાળતા અને ગુજરાતના મેનેજર પ્રશાંત બ્રહ્મભટ્ટ સાથે સુશીલભાઇની મુલાકાત કરાવાઇ હતી. તેણે નવો બક્ષ કોઇન લંડનમાં વેપાર કરતા અને બિટ્સો લાઇવ્સ કંપનીના માલિક મોહસીન જમીલએ લોન્ચ કર્યો છે અને તેને સાગર ગણેશ શિવકુમાર ડિરેક્ટ કરી રહ્યો હોવાની માહિતી સુશીલભાઇને આપી હતી.
ત્યારબાદ બક્ષકોઇનના પ્રમોશન માટે મલેશિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રશાંત બ્રહ્મભટ્ટ સહિત ચીટર ટોળકીની વાતોમાં આવી જઇને શરૂઆતમાં જ સુશીલભાઇએ અલગ અલગ 38 સ્કીમોમાં રૂા.1.68 કરોડનું રોકાણ કરી નાંખ્યું હતું. બાદમાં પ્રશાંત બ્રહ્મભટ્ટ, લાંબા સમય સુધી નવું એક્સચેન્જ શરૂ નવી દિલ્હીના બિદાપુરમાં રહેતો ગણેશ શીવકુમાર સાગર, મોહસીન જમીલ, ચંદ્રશેખર બાલીએ ઓનલાઇન મીટિંગ તેમજ ઝૂમ મીટિંગ કરીને રોકાણકારોને લલચાવ્યા હતા. બે-ત્રણ વર્ષ છતાં પણ નવું એક્સચેન્જ લોન્ચ થયું ન હતું. ત્યારબાદ આ ચીટર ટોળકીએ જે રોકાણ કરાયું હતું તેને બીટકોઇન તેમજ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્ઝેકશન કરાવીને વધુ રોકાણ કરાવ્યું હતું. ટોળકીએ સુશીલભાઇની પાસેથી જ રૂા.2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત સાઇટ બંધ કરી દીધી હતી અને ફોન ઊંચકવાનું પણ બંધ કરી દીધું હતું. આ બાબતે સુશીલ કુમારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.