Comments

એક સમયે એક પદવી તો બરાબર આપો

કોરોનાના કારણે વિલંબમાં પડેલ નવી શિક્ષણ નીતિનો અમલ હવેના સમયમાં થશે તેવો વર્તારો છે. નવી નીતિમાં સ્વીકાર્યા મુજબની બાબતો હવે નિયમ રૂપે પ્રગટી રહી છે. અત્યારે ચર્ચામાં છે યુ.જી.સી.નો પરિપત્ર, જેમા સ્વીકારવામાં આવ્યું છે કે વિદ્યાર્થી એક જ શૈક્ષણિક વર્ષ સમયગાળા દરમ્યાન બે જુદી જુદી પદવી, ડીગ્રી મેળવી શકશે! અત્યાર સુધી એક નિયમ હતો અને પ્રજા તરીકે આપણી સમજ હતી કે વિદ્યાર્થી એક સાથે બે ડીગ્રી અભ્યાસક્રમમાં જોડાઇ શકે નહીં! (માન્ય યુનિ.ના, માન્ય કોર્ષમાં) એટલે કે વ્યકિત એક સમયગાળામાં એક જ ડીગ્રી અભ્યાસક્રમમાં જોડાઇ શકે! જો વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં સ્નાતકની પદવી મેળવવા માગે છે તો તેણે ત્રણ વર્ષના (છ સેમેસ્ટરના) ડીગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો પડે અથવા ત્યાં વ્યવસ્થા હોય ત્યાં એકસર્ટનલ અભ્યાસક્રમમાં જોડાવું પડે! પણ આ જ ત્રણ વર્ષ દરમ્યાન તે કાયદેસર રીતે રેગ્યુલર કે એકસટર્નલ રીતે કાયદાના સ્નાતક અભ્યાસક્રમમાં જોડાઇ શકે નહીં!

કાયદાના સ્નાતકની પદવી આ જ સમયગાળામાં મેળવી શકે નહીં! અને જો કોઇ સંજોગોમાં તે આવું કરે તો એક જ સમયમાં બે જગ્યાએ એડમિશન મેળવીને બે પદવી મેળવે છે તો બન્ને ડીગ્રી અમાન્ય ગણાય છે. ગેરકાયદે ગણાય છે. આ ડીગ્રીના આધાર પર તેને સરકારી નોકરી માંગવાનો મેળવવાનો અધિકાર રહેતો નથી! હા, એક સરકારી માન્ય ડીગ્રી અને બીજી ખાનગી પદવી, સર્ટીફીકેટ કે સન્માન તે મેળવી શકે છે અને સરકારી લાયકાત ન હોય તેવા કોઇ પણ સ્થાન પર તે દ્વારા રોજગાર મેળવી શકે છે. જેમ કે દિવસે બી.એ. કરતો વિદ્યાર્થી સાંજના સમયે કોમ્પ્યુટર્સના કલાસ જોઇન્ટ કરે, સંગીતની તાલીમ મેળવે! કાયદા, એકાઉન્ટ, મેનેજમેન્ટના ખાનગી કોર્ષ કરે…. ટૂંકમાં ખાનગી ક્ષેત્રના ટૂંકા ગાળાના લાંબા ગાળાના કોર્ષ કે તાલીમ તે મેળવી શકે છે. પણ તે સરકારી – માન્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં લાગી શકતો નથી. પણ હવે તે આવું કરી શકશે! તેવું વિદ્વાનોની પ્રાથમિક ચર્ચાનો સૂર છે.

નેતાઓના તુકકા પર, અધિકારીઓના આદેશ પર ચર્ચા તો વિદ્વાનો જ કરતા હોય છે. સત્તામાં ભાજપ હોય કે કોંગ્રેસ આ દેશમાં એક બાબત સમાન જોવા મળી છે તે એ કે આર્થિક બાબતોમાં અર્થશાસ્ત્રીઓ નહીં શિક્ષણ – તાલીમની બાબતમાં શિક્ષણશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓ નહીં! અહીં તો બધી જ નીતિઓ અધિકારીઓ ઘડે છે. શિક્ષણશાસ્ત્રીઓ કે અર્થશાસ્ત્રીઓએ તો તે કેટલી લાભદાયક છે તે પ્રજાને સમજાવવાનું જ હોય છે. નવી શિક્ષણનીતિ સંદર્ભે આવતા નિયમો બાબતે જયારે જયારે આપણે ચર્ચા કરવાની થાય છે ત્યારે ત્યારે આપણે એક વાત વારંવાર લખીએ છીએ કે આપણી નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ કરતાં બજારની અસર વધારે છે. દુનિયાના સારી શિક્ષણવ્યવસ્થા ધરાવતા દેશો કરતાં અમેરિકાની બજારપ્રેરિત શિક્ષણવ્યવસ્થાની અસર વધારે દેખાય છે. અહીં શિક્ષણશાસ્ત્રીઓ કરતાં વેપારીઓનાં સૂચનો વધારે અસર કરી ગયાં હોય તેમ લાગે છે. માટે જ ત્રણ વર્ષનું બાળક થાય પછી તે પ્લે ગૃપમાં જઇ શકશે.

ત્રણ વર્ષ પ્લે ગૃપવાળા કમાય, પછી છ વર્ષનું થાય એટલે પ્રથમ વર્ગમાં દાખલ થશે. દસમા – બારમાની પરીક્ષા એક થશે. નપાસ થનારને નબળું પરિણામ આવે તેને પરિણામે સુધારવાની તક મળશે. બીજી પરીક્ષા (પૂરક પરીક્ષા) યોજાશે. કોલેજનો અભ્યાસ સળંગ ત્રણ વર્ષ ના થયો તો વાંધો નહીં! ગમે ત્યારે શિક્ષણ છોડો…. ગમે ત્યાંથી જોડાવ! એક વરસ ભણ્યા…. નીકળી ગયા… બે વરસ પછી ફરી જોઇન્ટ થયા. કોઇ વાંધો નહીં! શિક્ષણનો ધંધો 24X7 ચાલવાનો છે! ખાનગી શાળા કોલેજોને વિદ્યાર્થી સંખ્યા મળી રહેવી જોઇએ! ફિલસૂફીની રીતે, આદર્શની રીતે એ સારું છે કે વ્યકિત એક સાથે બે ડીગ્રી અભ્યાસક્રમ ભણે! ગાંધીજી જેવા વિચક્ષણ લોકો શતાવધાની હતા. એક સાથે અનેક બાબતો પર ધ્યાન આપી શકતા. એક સાથે વાત સાંભળી શકતા. સૌને સંતોષકારક જવાબ આપી શકતા! આવા તેજસ્વી બુધ્ધિપ્રતિભાવાળાં વિદ્યાર્થીઓને એક સાથે બે અભ્યાસક્રમમાં જોડાવા મળે તો સારું જ ને!

પણ, આ આદર્શ સાથે આપણે આપણા ઉચ્ચ શિક્ષણની એ વાત પણ વિચારવી જોઇએ કે આપણે અત્યારે એક અભ્યાસક્રમનું શિક્ષણ પરીક્ષણ પણ ગુણવત્તાસભર આપી શકતા નથી. સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં તો થોડુંક પણ નિયમબધ્ધ ચાલે છે. જયારે સેલ્ફ ફાયનાન્સ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ‘ફી ભરો ડીગ્રી મેળવો’ ની નીતિ ચાલે છે. આ સંજોગોમાં એક સમયે બે ડીગ્રી મેળવવાની વાત કયાંક આ વેપારીઓને ધંધો ચલાવવાનું મોકળું મેદાન ન આપે! તે જોવું પડશે! વિચારો તો બધા મહાન જ છે. પણ દેશ મહાન ત્યારે બને, જયારે તેનો પ્રામાણિકતાપૂર્વક અમલ થાય! આપણો વર્તમાન પ્રશ્ન તો એક સમયે એક અભ્યાસક્રમના ગુણવત્તાપૂર્વકના શિક્ષણ અને પરીક્ષણનો છે. આમાં બે ડીગ્રીની ગુણવત્તાનો વિચાર જ કેવી રીતે થશે!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top