વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં સેવા આપનાર નર્સિંગ સ્ટાફ માં વધુ એક વખત નારાજગી જોવા મળી છે અગાઉ આંદોલનના માર્ગે ઉતર્યા બાદ અનેક વાટાઘાટો પછી પણ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતાં આગામી 14 મી જૂન થી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં સેવા આપનાર નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા આંદોલનના માર્ગે ઉતર્યા હતા. અને કોવિડ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.જે બાદ રાજ્ય સરકારે નમતું ઝોખી વાટાઘાટો બાદ પડતર માંગણીઓ સંદર્ભે યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.ત્યારબાદ ગત 25 મી તારીખે આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓની બેઠક મળી હતી.જેમાં તમામ પ્રશ્નોનું સકારાત્મક રીતે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
જે બાદ આજદિન સુધીમાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા રવિવારે ગુજરાતભરમાંથી 45 જેટલા નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા.અને સર્વાનુમતે ઠરાવ કરી ને જો આગામી 14 તારીખ સુધીમાં કોઈ નિવેડો નહીં આવે અને સકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો આગામી 14 મી જૂનથી ગુજરાતની સમગ્ર નર્સિંગ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોમાં આંદોલન અને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.નોંધનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી નર્સિંગ સ્ટાફ,મેડિકલ ટીચર્સ એસોસિએશનના તબીબો તેમજ રેસિડેન્ટ્સ તબીબોએ કોરોનાના કપરાકાળમાં અવિરતપણે સેવા આપી હતી.જોકે છેલ્લા ઘણા સમયથી બઢતી, વધારાનું વળતર,સ્ટાઈપેન્ડ, ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિતની પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજુઆત કરી હતી.તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સમગ્ર તબીબી આલમ તેમજ મેડિકલ સ્ટાફમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
અને કોરોના કાળમાં જ કોવિડ કામગીરીનો બહિષ્કાર કરતા સરકારે નમતું ઝોંખી વાટાઘાટો કરી યોગ્ય નિરાકરણ કરવા ખાતરી આપી હતી.તેમ છતાં પણ તાજેતરમાં જ આરોગ્ય સચિવ સાથે બેઠક બાદ પણ આજદિન સુધી કોઈ યોગ્ય વલણ નહીં દાખવતા વધુ એક વખત નર્સિંગ સ્ટાફે સરકાર વિરુદ્ધ આક્રમક વલણ દાખવ્યું છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 14 મી જૂનથી રાજ્યભરની નર્સિંગ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવા ચીમકી આપી હતી. કોરોનાના કપરાકાળમા઼ ફ્રન્ટલાઇન વોરિઅર્સ તરીકે નર્સિંગ સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફે ર૪ કલાક ખડેપગે રહીને સરાહનીય કામગીરી કરી હતી છતાંય આજદિન સુધી સરકાર દ્વારા તેમની રજૂઆતો બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.