Gujarat Main

નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું બજેટ: ગુજરાતના 2022-23ના બજેટનું આ છે સ્વરૂપ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું બજેટ (GUJARAT BUDGET 2022)કરાયું હતું. નાણામંત્રી(finance minister) કનું દેસાઈએ વર્ષ ૨૦૨૨-૨૩નું 2.43 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 3 નવી મેડીકલ કોલેજો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોટાદ-જામ ખમભાળીયા અને વેરાવળમાં આ નવી મેડિકલ કોલેજ બનશે. બજેટ રજુ કરતા નાણામંત્રીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ છે. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. તો રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગશે.

ક્ષેત્ર પ્રમાણે જોગવાઈઓ

  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
  • શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ
  • સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
  • ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
  • કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે 10 કરોડ ફાળવાયા
  • પશુપાલકો, માછીમારો ને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના વ્યાજ રાહત યોજનાની જાહેરાત
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
  • ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે
  • સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે
  • સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુ રસી નિઃશુલ્ક આપી છે. પડકારો અમને હંફાવી ન શક્યા અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે અમે અમૃતકાળની વાત પકડી છે.
  • માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
  • સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.
  • કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ
  • બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ
  • ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે 25 કરોડ
  • રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે

બજેટમાં લાવેલા બેગની ખાસિયત
નાણામંત્રી એક લાલ બેગમાં રાજ્યનું બજેટ લઇ વિધાનસભા પહોંચ્યા હતા. તેમની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. પહેલીવાર કોઈ નાણામંત્રી આ પ્રકારની કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા પહોંચ્યા હોય તેવુ જોવા મળ્યું હતું. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું. બેગ સાથેની તસવીર ટ્વીટ કરતા નાણામંત્રીએ લખ્યુ હતુ કે, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ!

સી.આરના આદેશ પર ૧૦૦ કરોડ ફાળવ્યા
સી.આર.એ રખડતાં ઢોરને પકડવા આદેશ કર્યો હતો. જેથી નાણામંત્રી રૂ.100 કરોડ ફાળવ્યા છે. બાગાયત ખાતા માટે જોગવાઈ 259 કરોડ અપાશે. કૃષિ યુનિવર્સિટીની કામગીરી માટે 757 કરોડની જોગવાઈ, ગૌશાળા પાંજરાપોળને મદદ માટે 300 કરોડની જોગવાઈ કરાઈ છે.

ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના
ખેડૂતોને ખરીફ રવિ, ઉનાળુ પાક માટે વ્યાજ રાહત યોજના માટે 1250 કરોડની જોગવાઈ, સરદાર સરોવરની યોજનાનું 69 લાખ હેક્ટરમાં સિંચાઈ ઉભી થાય. સૌની યોજનાનુ કામ આગળ વધારવા માટે 710 કરોડ રૂપિયાની જોગવાઈ. કચ્છને વધારાનુ પાણી આપવા માટે 4369 કરોડની જોગવાઈ. સનેડો ટ્રેક્ટરનો વ્યાપ વધારવા 10 કરોડની જોગવાઈ, એગ્રો ફૂડ એકમો માટે 100 કરોડીન જોગવાઈ, ખેડૂત અકસ્માત વીમા માટે 81 કરોડની જોગવાઈ

નવી મેડીકલ કોલેજો શરુ થશે
આ બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. જેમાં નવી મેડીકલ કોલેજો શરુ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે 1188 કરોડની જોગવાઈ ફાળવાઈ છે. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન આપવામાં આવશે, જસદણ, લીંબાયત, પાલીતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે. 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે. મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે. પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય કરવામાં આવશે.

ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે
સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ કરાઈ છે. કિશોરીઓ, સગર્ભા, માતાઓના પોષણ માટે 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત. આ યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્યતેલ દર મહિને અપાશે.

બાળકોને શાળામાં લાવવા-લઈ જવા 108 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્ફુલ્સ સામાજિક ભાગીદારી સાથે શરૂ થશે. 1 લાખ વિદ્યાર્થીઓને અહીં શિક્ષણ મળશે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે 90 કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે 1188 કરોડની જોગવાઈ ફાળવાઈ. અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ. ઘરથી શાળાનુ અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતા વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં લાવવા-લઈ જવા 108 કરોડની જોગવાઈ. મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટલના બાંધકામ માટે 12 કરોડની જોગવાઈ.

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર નાણાંવિભાગનો વિચિત્ર આદેશ
ગુજરાત વિધાન સભામાં આજે વર્ષ ૨૦૨૨ માટે બજેટ રજુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ લઈ વિધાનસભામાં હાજર રહ્યા હતા. આ બજેટ રજુ કરતા પહેલા જ નાણા વિભાગે (Finance Department) એક આદેશ આપ્યો હતો. જે મુજબ બજેટ પૂર્ણ થયા પહેલા જો કોઈ મીડિયા (media)માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. જો કે ગુજરાતમાં રજુ થયેલા અત્યાર સુધીના તમામ બજેટમાં આ પ્રકારનો આદેશ પહેલી વાર કરવામાં આવ્યો છે. બજેટ અંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી હશે. આ બજેટ લોકોની અપેક્ષાપૂર્ણ કરનારું હશે.

ગુજરાતમાં કુલ ૭૭ બજેટ રજુ થયા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી તરીકે નિમાયેલા દક્ષિણ ગુજરાતના કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ અને લેખાનુદાન રજૂ કરવાનો વિક્રમ એકમાત્ર વજુભાઇ વાળાનો છે. તેમના પછી તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં 9 બજેટ રજૂ કર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 77 બજેટ રજૂ થયાં છે.

રાજ્યનું પહેલું બજેટ વર્ષ 1960માં રજુ કરાયું હતું
રાજ્યનું પહેલું બજેટ 22મી સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ થયું હતું. જેનું કદ માત્ર 114.92 કરોડ રૂપિયા હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી રાજ્યનું તે પ્રથમ બજેટ માનવામાં આવે છે. રાજ્યના બજેટ ઇતિહાસમાં ત્રણ બજેટ એવાં હતા કે વિધાનસભા નહીં લોકસભામાં રજૂ થયા હતા. આ સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું. કુલ બજેટ પૈકી 20 વખત નાણામંત્રીએ લેખાનુદાન એટલે કે ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લીધાં છે અને ત્યારપછી પૂર્ણ બજેટ રજૂ કર્યાં છે.

Most Popular

To Top