જામનગર: વિશ્વ આખાયને હચમચાવી દેનારા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસે (Omicron Virus) ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. રાજ્યના જામનગર (Jamnagar) જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત દર્દીનો પહેલો કેસ નોંધાયો છે. ઝીમ્બાબ્વેથી જામનગર આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટીવ (Positive) આવ્યો હતો. તેના સેમ્પલ (Sample) પૂણેની (Pune) લેબોરેટરીમાં (Laboratory) મોકલવામાં આવ્યા હતા. આજે પૂણેની લેબોરેટરીએ તે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. આ સાથે જ જામનગર સહિત આખાય રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. દર્દીને તાબડતોબ આઈસોલેશન વોર્ડમાં (Isolation) એડમીટ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે દર્દીમાં ઓમિક્રોનના લક્ષણો મળી આવ્યા છે તે ગઈ તા.2 ડિસેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી આવ્યો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દર્દીને જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે. 1 તારીખે સેમ્પલ જીનોમ માટે મોકલવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલાં જ કર્ણાટક, જયપુર અને હવે ગુજરાતમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. દેશનું આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા વેરિએન્ટને લઈને ખૂબ જ સર્તક છે. તમામ એરપોર્ટ પર ચોક્સાઈ વધારી દેવાઈ છે. જોખમી 14 દેશોમાંથી આવતા મુસાફરો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.