National

વાનખેડે ટેસ્ટમાં ઈતિહાસ રચાયો: ટેસ્ટની પહેલી ઈનિંગમાં ભારતની તમામ 10 વિકેટ ખેરવી એજાઝ પટેલે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

મુંબઈ: (Mumbai) મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે (Ajaz Patel) આજે મુંબઈના જ વાનખેડે ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં 10 વિકેટ (10 Wicket) લેવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) નોંધાવ્યો છે. આજે બીજી ટેસ્ટ (Test Match) મેચના બીજા દિવસે એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈ ભારતના જ ભૂતપૂર્વ કપ્તાન અને સ્પીનર અનિલ કુંબલેના (Anil Kumble) રેકોર્ડની બરોબર કરી હતી. આ સાથે જ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 10 વિકેટ લેનારો એજાઝ પહેલો ખેલાડી બન્યો છે.

ભારત-ન્યૂઝીલેન્ડની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારત (India) 325 રન પર ઓલઆઉટ (All out) થયું હતું. ભારતની તમામ 10 વિકેટ ન્યૂઝીલેન્ડના (New zealand) સ્પીનર એજાઝ પટેલે લીધી છે. આ સાથે જ એજાઝે ઈતિહાસ સર્જ્યો છે. ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ લેનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. આ અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકર એક ઈનિંગમાં 10 વિકેટો ખેરવી ચૂક્યા છે પરંતુ તે બંને જણાએ ટેસ્ટની બીજી ઈનિંગ અને મેચના 5માં દિવસે વિકેટો લીધી હતી. એજાઝ પટેલની સિદ્ધિ ખૂબ મોટી માનવામાં આવી રહી છે.

કોઈ પણ ખેલાડી માટે ટેસ્ટમાં 5 વિકેટ લેવું એ મોટી વાત હોય છે ત્યારે એજાઝ પટેલે 10 વિકેટ લઈ ઈતિહાસ સર્જી દીધો છે. નોંધનીય છે કે એજાઝ પટેલ મુંબઈમાં જ જન્મ્યો છે. તેથી વાનખેડે પર 10 વિકેટ લેવાનો રેકોર્ડ તેના માટે અંગત ખુશીનું પણ કારણ બન્યું છે. આ અગાઉ અનિલ કુંબલેએ દિલ્હીના કોટલા મેદાન પર પાકિસ્તાન સામે 10 વિકેટ લીધી હતી. બે દાયકા પહેલાની તે મેચમાં અનિલ કુંબલેએ મેચના પાંચમા દિવસે પાકિસ્તાનના તમામ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું 3 જ બોલર કરી શક્યા છે, જેમાં એક જિમ લેકર, બીજા અનિલ કુંબલે અને હવે ત્રીજા સ્થાને એજાઝ પટેલ છે.

Most Popular

To Top