National

અપ્રમાણ સંપત્તિના કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા, 50 લાખનો દંડ

નવી દિલ્હી: હરિયાણાના (Haryana) પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) ઓમ પ્રકાશ ચૌટાલાને (Om Prakash Chautala) અપ્રમાણસર મિલકત કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ કોર્ટે તેમણે 50 લાખનો દંડ (Fine) ફટકાર્યો છે. કોર્ટના નિર્ણય બાદ ઓમ પ્રકાશના પુત્ર અભય ચૌટાલાએ કહ્યું છે કે તેઓ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. જેથી અ ચુકાદાને તેઓ હાઇકોર્ટમાં પડકારશે.

જો ઓમ પ્રકાશ ચૌટાલા દંડ ચૂકવવામાં ચૂકી જશે તો 6 મહિનાની વધુ સજા થઈ શકે છે

આ મામલે 2006માં કેસ નોંધવામાં આવ્યો હતો
ઉલેખનીય છે કે અપ્રમાણ સંપત્તિ મામલે ઓમ પ્રકાશ ચૌટાલા સામે 2006માં કેસ નોંધવામાં આવ્યો હતો અને CBI દ્વારા આ મામલે 26 માર્ચ 2010માં એક ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં તેમણે જણાવ્યુ હતું કે ઓમ પ્રકાશ ચૌટાલા એ 1993 અને 2006 વચ્ચે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે. જે તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ છે. તેથી તે અપ્રમાણ સંપત્તિ એકત્ર કરવા માટે જવાબદાર છે.

ચૌટાલા બીમારના કારણે 90 ટકા અપંગ છે
આ મામલે કોર્ટમાં ગુરુવારે થઈ રહેલી દલીલો વચ્ચે ચૌટાલાના વકીલે તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે કોર્ટને તેમની સજામાં હળવાશ રાખવાની અપીલ કરી હતી. ચૌટાલાની સ્વાસ્થ્ય વિશે વધુમાં તેમના વકીલે કહ્યું હતું કે ચૌટાલાને ફેફસામાં ચેપ છે તેથી તેઓ જાતે કપડાં પણ બદલી શકતા નથી. ઉપરાંત તેમને ક્યાંય પણ જવા માટે બીજા કોઇની મદદની જરૂર પડે છે. તેમના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે ચૌટાલા તેમની બીમારના કારણે 90 ટકા અપંગ છે. તેથી ચૌટાલાના વકીલે તેમની સજામાં રાહત આપવી માંગ કરી હતી.

સીબીઆઈના વકીલે મહત્તમ સજાની માંગ કરી
ચૌટાલાના વકીલ દ્વારા સજામાં રાહતની માંગ બાદ સીબીઆઈના વકીલે વિરોધ કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર સમાન છે. ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે એવી સજા આપવી જોઈએ જેથી કરીને સમાજમાં તેનો એક દાખલો બેસાડી શકાય. ઉપરાંત સીબીઆઈના વકીલે કહ્યું કે ખરાબ સ્વાસ્થ્યની સારવાર થવી જોઈએ પરંતુ સામાન્ય લોકોને સાચો સંદેશ આપવા માટે મહત્તમ સજા જરૂરી થવી જોઈ.

આ કરવામાં નિષ્ફળ રહેશે તો 6 મહિનાની વધુ સજા
બંને પક્ષની દલીલો સાંભળી અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. ઉપરાંત તેમની 4 મિલકતો જપ્ત કરવા માટે પણ કહ્યું છે. તેમજ ચૌટાલાએ સીબીઆઈને 50 લાખ રૂપિયા અલગથી આપવા પડશે. જો આ 50 લાખ ચોક્કસ સમય સુધી ચૂકવવામાં તેઓ નિષ્ફળ રહેશે તો તેમણે 6 મહિનાની વધુ સજા થઈ શકે છે. કોર્ટે ચૌટાલાને તરત જ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. ચૌટાલા વતી આ મામલે અપીલ દાખલ કરવા માટે 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. તેના પર જજે કહ્યું કે તમે હાઈકોર્ટ જાવ.

કોર્ટના નિર્ણય સામે તેમના પુત્રએ આ કહ્યું
કોર્ટના આ નિર્ણયથી તેમના પુત્ર અભય ચૌટાલાએ અસંતુષ્ટિ દર્શાવી કહ્યું છે કે તેઓ સોમવારે હાઇકોર્ટમાં આ નિર્ણય સામે અપીલ દાખલ કરશે. તમને જાણવી દઈએ કે ચૌટાલાને વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલ દ્વારા જાન્યુઆરી 2021 માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ઉપરાંત ચૌટાલા પાસે આવક કરતાં 189.11% વધુ સંપત્તિ હતી. તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચૌટાલા વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ત્યારે તપાસ સમયે મે 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચૌટાલાની 3.8 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.

Most Popular

To Top