ગાઉના ૧૮ લેખોમાં જુદા જુદા માધ્યમ દ્વારા આપણે ૐ અને પરમાત્માને સમજવા માટેના પ્રયત્નો કર્યા. આ તમામ પ્રયત્નો જ્યાં સુધી “પરમાત્માની અભિવ્યક્તિ” નહિ સમજીએ ત્યાં સુધી અધૂરા છે. ૐ ધ્વનિ તેમજ ૐ અક્ષરનો સાત્ત્વિક ઈચ્છાપૂર્તિ માટે “પ્રાયોગિક” ઉપયોગ કરતા પહેલા, આ ‘તત્ત્વજ્ઞાન’ને સમજવું ખૂબ જરૂરી છે. આમ તો આ વિષય ઉપર ૧૦ દળદાર ગ્રંથો પણ ઓછા પડે. ખૂબ જ ઊંડું અધ્યયન છે. મારી પાસે જ્ઞાનરૂપી દરિયાના પાણીમાંથી ભરેલી માત્ર એક આચમની છે. જેનો ઉપયોગ કરીને ખૂબ ટૂંકમાં, સરળ શબ્દોમાં, ૐ ને જાણવાના, માનવાના અને માણવાના હેતુ માત્રથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો તમને લેખની આ શ્રેણીમાં રસ પડતો હોય, કોઈને પોતાના આધ્યાત્મિક ઉત્થાનમાં રસ હોય, અલગ અલગ સંપ્રદાયો અને પંથોની વાતોએ તમને મૂંઝવણમાં મૂકી દીધા હોય, તો તમારે ‘પરમાત્માની અભિવ્યક્તિ’ સમજવી ખૂબ જરૂરી છે.
વેદો અને ઉપનિષદોમાં એવું કહેવાયું છે કે પરમાત્મા અનાદિ, અનંત, અજર, અમર, અવિનાશી, અવિચળ, અદ્વૈત, અભેદ, અકર્તા, અખંડાનંદ, સ્વયંપ્રકાશિત, નિરામય, અવર્ણનીય, નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્દોષ, નિશ્ચલ, ગુણાતીત, માયાતીત, અક્ષરાતીત છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે પરમાત્મા સર્વ શક્તિમાન, સર્વેશ્વર, સર્વવ્યાપી, સર્વાત્મા, સનાતન છે. શ્વેતા. ઉપ. ૬.૮ મુજબ “તેમની શક્તિઓ એટલી તો વ્યાપક છે કે તેઓ જગતમાં બધાનું પાલન કોઈપણ ક્ષતિ વિના સુવ્યવસ્થિતપણે કરે છે”. ખુબ મૂંઝવણ થાય છે આ વિરોધાભાસથી.
અહીં થોડું થોભીએ અને વિચારીએ કે આ જગતને ધારણ કોણ કરતું હશે? આ પૃથ્વીને ફેરવતું કોણ હશે? હજારો વર્ષોથી ઝળહળતા સૂર્યમાં અગ્નિ કોણ ઉમેરતું હશે? પવનને કોણ બળ આપે છે? વાદળોની રચના કોણ કરે છે? વરસાદ કોણ વરસાવે છે? દીવાસળી સળગાવીએ ત્યારે અગ્નિ કોણ પ્રગટ કરતું હશે? બે હાથથી તાળી પાડીએ ત્યારે ધ્વનિ કોણ ઉત્પન્ન કરતું હશે? અનાજ, ફળ, ફૂલ, તેલીબિયાં વગેરે કોણ ઉગાડતું હશે? આવા તો ઢગલાબંધ સવાલો છે.
હજી વધુ વિચારીએ કે આપણે રોજબરોજ જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં આપણી કેટલી? તમે કોઈપણ વસ્તુ વિશે વિચારો તો તેનો ‘કાચો માલ’ અથવા તેમાં વપરાયેલા ‘મૂળ ઘટક’ કુદરતમાંથી મેળવાયેલા હશે. તો આ કુદરત એટલે શું? દેવી-દેવતા એટલે કોણ? ઈશ્વર એટલે કોણ? પ્રકૃતિ અથવા શક્તિ એટલે શું? બ્રહ્મ એટલે શું? પરમાત્મા એટલે કોણ ?… પડી ગયા ને મુંઝવણમાં? તમે કદાચ કહેશો કે પરમાત્મા સર્વશક્તિમાન છે માટે આ બધું પરમાત્મા કરે છે. તો પછી શું વેદનાં વિશેષણો ખોટાં કે જેમાં પરમાત્માને અકર્તા, નિરંજન, માયાતીત, અક્ષરાતીત વગેરે દર્શાવ્યા છે? તમે કહેશો કે યાર તમે તો બહુ મૂંઝવણ ઉભી કરો છો. થોડા વધુ આગળ ચાલીએ અને ચાર વેદોના ચાર વાક્યો સમજીએ.
૧. અહં બ્રહ્માસ્મિ I
( હું બ્રહ્મ છું – યજુર્વેદ)
૨. અયમાત્મા બ્રહ્મ I
( આ આત્મા બ્રહ્મ છે – અથર્વવેદ)
૩. તત્વમસી I
(તું જીવ તે બ્રહ્મ છે – સામવેદ)
૪. પ્રજ્ઞાનમ બ્રહ્મ I
(પ્રાણ બ્રહ્મ છે – ઋગ્વેદ)
વળી છાંદોગ્ય ઉપનિષદ (૩.૧૪.૧) પ્રમાણે “સર્વ ખલ્વીદમ બ્રહ્મ” એટલે કે આ સઘળું જગત બ્રહ્મ છે. હવે વિચારો કે બ્રહ્મ કેટલા? બ્રહ્મ તો વેદ પ્રમાણે એક જ અને અનાદિ છે. છાંદોગ્ય ઉપનિષદ(૬.૨.૧) માં કહ્યું છે, “એકમેવાદ્વિતીયમ બ્રહ્મ”. તે એક અને અદ્વૈત છે. થઇ ને ફરી મૂંઝવણ? બસ આ મૂંઝવણ ને સમજવી એ જ હવે આપણું લક્ષ્ય છે. આ મૂંઝવણ સમજવા માટે જ ‘પરમાત્માની અભિવ્યક્તિ’ સમજવી પડે અને આ અભિવ્યક્તિને સમજવા માટે જ ૐ ને ધ્વનિ રૂપે તેમજ અક્ષર રૂપે સમજવો પડે. અત્યાર સુધીના લેખોમાં મેં થોડી પૂર્વધાર રૂપી વાતો કરી છે. આ વાતોને ફરી એકવાર વાગોળીને ‘પરમાત્માની અભિવ્યક્તિ’ ને ૐ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને આ લેખોમાં અપાતી આકૃતિઓને ખુબ ધ્યાનથી સમજીએ.
સ્વામી વિવેકાનંદે ૐ માટે કહ્યું છે કે ૐ પરમાત્માની અભિવ્યક્તિ છે. (“His Manifesting Word”). આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતા (૯.૧૭) માં કહ્યું છે કે ‘ૐ કાર હું જ છું’, વળી (૭.૮) માં કહ્યું છે કે ‘વૈદિક મંત્રોમાં ૐ કાર હું જ છું’, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. યજુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે ‘હું બ્રહ્મ છું’. તૈતરીય ઉપનિષદ (૨.૯) માં જણાવ્યા મુજબ “પરમેશ્વરની શક્તિનું પ્રગટીકરણ વિવિધ રૂપે થાય છે”. ગીતા (૧૭.૨૩) માં સમજાવ્યા મુજબ સર્જનની શરૂઆતથી ‘ૐ તત સત’ શબ્દો બ્રહ્મના નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાયા છે (કે જેનો હું દરેક લેખના અંતે નિર્દેશ કરું છું), તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આવતા લેખથી ખૂબ જ અગત્યની સમજૂતી “ૐ અને પરમાત્માની અભિવ્યક્તિ” ને વેદો, પુરાણો, ગીતા વગેરે શાસ્ત્રોના પ્રમાણો સહિત, શીરાના પ્રસાદની જેમ ગળે ઉતરી જાય તેવા સરળ શબ્દોમાં અને સરળ આકૃતિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. એની શરૂઆત કરીશું નિર્ગુણ પરમાત્માને સમજવાથી. આપ સૌને હજુ સુધી જુદા જુદા માધ્યમો દ્વારા પરમાત્મા માટેની અપાયેલી સમજ પછી પણ જો મુંઝવણ હોય તો ‘stay in touch’, આ લેખ વાંચતા રહો કારણ કે ઈચ્છાપૂર્તિના આપણા ધ્યેય માટે પણ આ સમજ ખૂબ જ જરૂરી છે.