સુરત: સુરત (Surat) જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકાના વેલુક (Veluk) ગામે 6 વર્ષ પહેલા જેટકો (Jetco) કંપનીએ સ્થાનિક વિસ્તારના લોકોની માંગણીને લઇને ઓલપાડ સબ સ્ટેશન (Sub Station) ઉપર વીજ લોડનું ભારણ ઘટાડવા માટે ઉભા કરવામાં આવેલા 66 કે.વી સબ સ્ટેશન નું કામ ત્રણ વર્ષથી પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં કરોડો રૂપિયાનું આંધણ કરીને કહેવાતી વિકાસશીલ સરકારમાં ઉર્જા વિભાગ અને અન્ય વિભાગોના તાલમેલના અભાવને કારણે આ સબ સ્ટેશન ચાલુ કરવાનો કે પછી ઉદ્ઘાટન કરવાનો સરકારના ઊર્જા વિભાગને સમય મળ્યો નથી. જેથી આ વિસ્તારના વીજ પુરવઠો મેળવવા માંગતા સેંકડો ગ્રાહકો વીજ કનેક્શન થી વંચિત રહી ગયા છે.
વધુમાં સને 2012માં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંડી, છીણી, પીંજરત, આડમોર અને લવાછા તેમજ વેલુક ગામના ખેડૂતો ને ઓલપાડ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેમજ ફીડરો ની લંબાઈ વધુ હોય ઓવરલોડ ઓછો કરવા માટે વેલુક ગામે નવુ સબ સ્ટેશન ઉભુ કરવા માટે નવસારી ની જેટકો કંપનીને રૂપિયા 12 કરોડના સૂચિત ખર્ચથી કામગીરી સોંપવામાં આવી હતી.
જેટકો કંપનીએ સને 2015માં એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરી દીધી હતી પરંતુ 6 વર્ષથી આ સબસ્ટેશન તૈયાર હોવા છતાં સરકારી વિભાગોમાં તાલમેલ ના અભાવે આ સબસ્ટેશન ચાલુ કરવામાં આવ્યું નથી. સ્થાનિક વિસ્તારના લોકો ભૂતકાળમાં લોક દરબાર તેમજ સુરત કલેકટર ને આ સબસ્ટેશન કેમ ચાલુ કરવામાં નથી આવ્યું એ અંગેનો પ્રશ્ન પણ પૂછ્યો હતો, તેમ છતાં પણ ઉકેલ આવી શક્યો નથી. માત્ર ગણ્યાગાંઠયા લોકોના કારણે સ્થાનિક વિસ્તારની પ્રજાને પરેશાની ભોગવવી પડી રહી છે.
આ વિસ્તારના કન્ઝ્યુમર્સ નવા કનેક્શન માટે અરજી રજીસ્ટર કરાવવા માટે જાય ત્યારે સ્થાનિક અધિકારીઓ અરજી સ્વીકારતા નથી અને ઓવરલોડ હોવાનું કારણ આગળ ધરી કન્ઝ્યુમર્સ ને રવાના કરી દેતા હોય છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી અને ઉર્જા વિભાગના અધિકારીઓને અવારનવાર લેખિત રજૂઆત કરી સબ સ્ટેશન ચાલુ કરાવવા માંગ કરાઈ છે. તેમ છતાં અધિકારીઓ ની બેદરકારીને કારણે આ વિસ્તારના 10 થી વધુ ગામડાઓના લોકો આજે પણ સુવિધાથી વંચિત છે. બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડકાઈથી પગલા લઇ નુકશાનની ભરપાઈ પણ આવા અધિકારીઓ પાસેથી કરી દાખલો બેસાડવામાં આવે. જેથી ભવિષ્યમાં સરકારી તિજોરી ને નુકશાન નહિ થાય એ પ્રકારની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે એવી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો વતી મારી લાગણી અને માંગણી છે.