નવી દિલ્હી: ઈ-સ્કૂટર (E Bike) ઉત્પાદન ક્ષેત્રની ભારતની ટોચની કંપનીઓ પૈકીની એક ઓલાના (Ola) કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ (Bhavish Agrawal) આજકાલ તેમના ગુસ્સાના (Angry) લીધે ચર્ચામાં છે. તાજેતરમાં એક બોર્ડ મિટીંગમાં ભાવિશ અગ્રવાલ એટલા ગુસ્સે ભરાયા હતા કે તેઓએ ચાલુ મિટીંગમાં કાગળો ફાડી નાંખ્યા હતા અને આખીય ટીમને નકામી ગણાવી હતી. આ પહેલાં એક કર્મચારીને તેની સામાન્ય ભૂલના બદલામાં દોડવાની સજા આપી હતી.
કંપનીના ટુ-વ્હીલરના વેચાણમાં થયેલા ઘટાડાની વચ્ચે તેમનું આ વર્તન સામે આવ્યું છે. આમાં ઓલા ઈલેક્ટ્રીકના લગભગ બે ડઝન ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓના ઈન્ટરવ્યુ સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરનો મામલો ભાવિશ અગ્રવાલની ઓલા ઇલેક્ટ્રિકની ટીમ સાથેની મીટિંગનો છે. આ મીટિંગમાં તે એટલા ગુસ્સે થયા કે તેની ચર્ચા થવા લાગી. મીટિંગ દરમિયાન પ્રેઝન્ટેશન ફાઇલમાં એક પેપર ગુમ થવાને કારણે ભાવિશ અગ્રવાલ ગુસ્સે થયા હતા અને તેમણે તમામ કાગળો ફાડી નાખ્યા હતા. ભાવિશે પંજાબી ભાષામાં પોતાની ટીમને ઠપકો આપ્યો હતો અને આખી ટીમને નકામી ગણાવી હતી. સામાન્ય રીતે લગભગ એક કલાક સુધી ચાલતી મીટિંગ તેણે થોડી જ મિનિટોમાં પૂરી કરી હતી. કર્મચારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે કંપનીમાં કામકાજનું વાતાવરણ હવે 2013માં તેની શરૂઆતના સમયે જેવું નથી રહ્યું.
રિપોર્ટ અનુસાર, કંપનીના ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓએ જણાવ્યું કે ઓલાના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલનું વર્તન વધુને વધુ અસંસ્કારી બની રહ્યું છે. તે હવે ગુસ્સો કરવા ઉપરાંત કર્મચારીઓને સજા પણ આપવા લાગ્યા છે. ભાવિશ અગ્રવાલે કથિત રીતે એક કર્મચારીને બહુ-એકર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પ્લાન્ટની આસપાસ ત્રણ ટ્રિપ કરવાની સજા ફટકારી હતી. આ કર્મચારીનો વાંક માત્ર એટલો હતો કે તેઓએ કંપનીનો મુખ્ય ગેટ ખુલ્લો છોડી દીધો હતો. ઓલાની સ્થાપના 2010માં કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આઈઆઈટી મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ મળીને 2010માં ઓલાની સ્થાપના કરી હતી. કંપનીની શરૂઆત ANI Technologies Pvt. તરીકે કરવામાં આવી હતી. ગયા મહિને આપેલા એક ઈન્ટરવ્યુમાં ભાવિશ અગ્રવાલે કહ્યું હતું કે તેની પાસે ખૂબ જ જુસ્સો અને લાગણીઓ છે અને તે આસાન પ્રવાસ પર નથી. હું મારા માટે કે ઓલા માટે સરળ સફર પસંદ કરવા પણ નથી માંગતો. મારો ગુસ્સો, મારી હતાશા સંપૂર્ણપણે હું છું.