આણંદ: સમગ્ર વિશ્વમાં મિલ્ક સીટીના હુલામણા નામથી જાણીતા આણંદ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા આજ કાલની નથી પરંતુ કાયમી બની ગઈ છે શહેરની હદ વધી ગઇ તેમ તેમ ગામતળના વિસ્તારો શહેરીકરણના ભોગ બનીને ગૌચરની જમીન નષ્ટ થતી ગઇ.
બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમયની સાથે તાલ ન મેળવી શકવાથી રખડતાં ઢોરનો પ્રશ્ન વિકટ બનીને રોજબરોજની જિંદગીમાં નિર્દોષ નાગરિકો માતેલા સાંઢ અને મારકણી ગાયની હડફેટે ચઢીને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. અત્યારે તો આગ લાગે ત્યારે કૂવો ખોદનારું તંત્ર હાઇકોર્ટની લાલ આંખથી પણ ભયભીત થતુ નથી રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાને હવાલે કરવામાં આળસ દાખવી રહ્યું છે.
સત્તાવાળાઓની કામગીરીના સત્તાવાર આંકડાને જોતા રખડતાં ઢોરને પકડવામાં રીતસરનું હાંફી ગયું છે તેમ પ્રથમ દૃષ્ટિએ જણાઇ આવે છે. વધુમા જાગૃત નાગરીકોનુ કહેવુ છે કે શહેરના વિવિધ રાજમાર્ગો પર રખડતા પશુનો અડીંગો જોવા મળે છે. રસ્તા પર બેસેલી ગાયો વાહનચાલકો અને રાહદારીઓ માટે પરેશાની માટેનુ ઘર બની છે.
વધુમાં શહેરીજનોનુ કહેવુ છે કે તંત્ર રખડતા પશુઓને પકડવાની કામગીરી નિયમીત કરતુ હોય તો તેમ દિવસ ઉગતાની સાથે રસ્તા પર રખડતી ગાયો જોવા મળે છે. આ રખડતા પશુઓને પાંજરે પુરવામા નગરપાલિકા તંત્ર ઘોર ઉપેક્ષા દાખવી રહ્યુ છે. શુ માથાભારે પશુપાલકો સામે તંત્ર લાચાર બન્યુ છે.
શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓને લઈ ક્યારેક રાહદારી કે વાહનચાલકને ઈજા થાય છે તો ક્યારેક ટ્રાફીક જામ થાય છે. શહેરના રખડતા પશુઓની સમસ્યા લોકો માટે શીરદર્દ સમાન બની છે.
અનેક વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસથી શહેરીજનો દુઃખી છે. લેભાગુ તત્ત્વોની ધર્મભીરુ લોકોને પુણ્ય કમાવી આપવા માટેની રસ્તા પર ઘાસ વેચવાની સેંકડો હાટડી આજે પણ ધમધમે છે.