રાજા દિલીપને કોઈ સંતાન ન હતી એટલે તેઓ અને મહારાણી બહુ દુઃખી રહેતા હતા.એક દિવસ રાજાએ પોતાના મનની ચિંતા કુળગુરૂ વશિષ્ટને કરી.ગુરુજીએ પોતાના આશ્રમની એક ગાય અને વાછરડી આપ્યા અને કહ્યું, ‘આ ગાય અને વાછરડીની તું સેવા કરજે.તારા મનની ઈચ્છા જરૂર પૂરી થશે.’રાજા દિલીપે ગુરુ આજ્ઞા માથે ચઢાવી અને સવાર થી રાત સુધી ગાય અને વાછરડીની સેવામાં રત રહેતા.ગાય અને વાછરડીને નવડાવતા કોમળ ઘાસ ખવડાવતા, પાણી પીવડાવતા, બીમાર થઈ જાય તો સેવા કરતા.
એક દિવસ રાજા ગાય અને વાછરડીને તાજું લીલું ઘાસ ચરાવવા વનમાં લઇ ગયા.અને વનમાં થોડા આગળ વધી જતા સામે સિંહ આવ્યો.રાજા દિલીપને જોઇને સિંહને વાચા ફૂટી તે બોલ્યો, ‘રાજન, અહીં જે પ્રાણી આવે છે તેનાથી હું મારું પેટ ભરું છું એટલે આજે હું આ ગાય અને વાછરડીને ખાઇશ તમે પાછા વળો.’ રાજા દિલીપે કહ્યું, ‘વનરાજ, મારા ગુરુની આજ્ઞા છે કે આ ગાય અને વાછરડીની મારે સેવા કરવી, ધ્યાન રાખવું એટલે તેમનું રક્ષણ કરવું પણ મારી જ જવાબદારી થાય છે.એટલે હું તમને તેમનો શિકાર નહિ કરવા દઉં.
તમારા પેટની ભૂખ શાંત કરવા તમે મને ખાઈ શકો છો.’ સિંહે કહ્યું, ‘રાજન, તમે પ્રજાના પાલક છો અને એક ગાય માટે શું કામ તમારો જીવ આપો છો.તમારા ગુરુજીએ આ એક ગાય તમને આપી છે પરંતુ તમે તો આવી એક લાખ ગાય તમારા ગુરુજીને આપી શકો છો.એક ગાયના પ્રાણ બચાવવા તમે શું કામ મૃત્યુ વહોરવા તૈયાર થયા છો?’ રાજા દિલીપે કહ્યું, ‘મારા ગુરુજીએ મને આ ગાયની સેવા કરવાની આજ્ઞા કરી છે એટલે હું જીવનનો અંત ભલે થાય તેમનું રક્ષણ કરીશ.’ આટલું બોલી રાજા દિલીપ ગાય અને વાછરડીને પાછળ કરી સિંહની સામે આંખ બંધ કરી ઉભા રહી ગયા.
ઘણીવાર સુધી સિંહે હુમલો ન કર્યો ત્યારે રાજા દિલીપે આંખો ખોલી અને જોયું તો સામે સિંહ હતો જ નહિ.સિંહના સ્થાને કામધેનુ ગાય ઉભી હતી.રાજાએ પ્રણામ કર્યા.કામધેનુ ગાય બોલી, ‘રાજન, આ તમારી કસોટી હતી.’ હું તમારી નિષ્ઠા અને ગુરુ આજ્ઞા પાલન જોઇને ઘણી પ્રસન્ન થઈ છું.આપ મને દોહી લો અને તે દૂધ તમે અને તમારી મહારાણી પી લેજો.અવશ્ય તમારે ત્યાં પ્રતાપી પુત્રનો જન્મ થશે.’ કામધેનુના આશિષથી રાજા દિલીપના ઘરે રાજકુમાર રઘુનો જન્મ થયો જેના નામથી રઘુવંશ પ્રસ્થાપિત થયો. ગુરુજનો અને વડીલોની આજ્ઞાનું પાલન કરવું આપણી નૈતિક ફરજ છે.તેમ કરવાથી આપણા જીવનમાં સારો અને સકારાત્મક વણાંક જ આવે છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.