વડોદરા : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે શહેરમાં મચ્છીપીઠ વિસ્તારના રસ્તા પર નુપુર શર્મા તથા નવીન જિંદાલના ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લાગતા ઉત્તેજના વ્યાપી જતા પરિસ્થિતી તંગ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા હતા . આ ગંભીર ઘટના ના મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
ગત મહિને નૂપુર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદને લઈને થઈ રહેલા વિવાદ અંગે ચર્ચામાં જ્યારે પોતાની વાત મૂકી ત્યારે તેઓ એ ધર્મ બાબતે અત્યંત વિવાદિત ટિપ્પણી કરતા દેશ ભરમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. તેમના આ નિવેદન બાદ મુસ્લિમ સમાજે નૂપુર પર પયગંબર મહમદ અંગે વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.તે દરમિયાન ભાજપ દિલ્હીના પ્રવક્તા નવીનકુમાર જિંદલે પણ લઘુમતિ સમુદાય વિરુદ્ધ એક ટ્વીટ કરીતા વિવાદ વકર્યો હતો.ત્યાર બાદ જ કાનપુરમાં હિંસા ફાટી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પયગંબર મહમદ વિવાદ બાદ ભાજપે પ્રવક્તા નુપુર શર્માને રાતોરાત શિસ્ત બદ્ધ પગલાં લઇને સસ્પેન્ડ કરી દીધા છે.
પાર્ટીએ દિલ્હી બીજેપી નેતા નવીન કુમાર જિંદાલ સામે પણ કાર્યવાહી કરી છે. અને ભાજપે એક નિવેદનમાં કહ્યું કે તે કોઈપણ સંપ્રદાય અથવા ધર્મનું અપમાન કરતી કોઈપણ વિચારધારાની વિરુદ્ધ છે. હાલ આ સમગ્ર મામલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધી ગયો છે. નુપુર શર્માએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે તે મહાદેવનું અપમાન સહન કરી શકી નથી અને ગુસ્સામાં કેટલીક વાતો કહી હતી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.તાજેતરમાં સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના ફોટા પર જૂતાનું નિશાન લગાવીને તેઓની ધરપકડ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના ના પડઘા આજે શહેર ના તાંદલજા વિસ્તારમાં ખાસ પડયા હતા. લઘુમતી કોમના તમામ વેપારીઓએ ઘટના બાબતે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને દુકાનો બંધ રાખીને સ્વૈચ્છિક બંધ પાડીને બનાવને જાહેરમા વખોડી કાઢયો હતો. જે બાદ હવે વડોદરામાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા પર જુતાનું નિશાન મારીને તેઓની ધરપકડ કરવાનું લખાણ કરીને પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને જવાબદાર લોકોને શોધવાની તજવીજ હાથ ધરી છે.