બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની બહેન નુપુર સેનન અને ગાયક સ્ટેબીન બેન હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેએ શનિવારે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ભવ્ય ખ્રિસ્તી સમારંભમાં લગ્ન કર્યા. દંપતીની નજીકના સૂત્રોએ લગ્નની પુષ્ટિ કરી છે.

લગ્ન બાદ સાંજે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રોએ અને મહેમાનોએ ઉજવણી કરી હતી. આ લગ્નમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ દિશા પટાણી અને મૌની રોય પણ હાજર રહી હતી. બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્ન સ્થળની તસવીરો અને વિડિઓ શેર કર્યા હતા.

સોશિયલ મીડિયા પર નુપુર અને સ્ટેબીનના લગ્નના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં સફેદ ગાઉનમાં સજ્જ નુપુર પોતાના પતિ સ્ટેબીન બેનને ચુંબન કરતી જોવા મળે છે.
લગ્નના ડેકોરેશનમાં સફેદ ફૂલો અને લીલા પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક ખાસ અરીસા પર નુપુર અને સ્ટેબીનના નામ લખવામાં આવ્યા હતા. જે લગ્ન સમારંભને વધુ રોમેન્ટિક બનાવતા હતા.
લગ્નમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ આસિફ અહેમદ, ફેશન સ્ટાઇલિસ્ટ સુકૃતિ ગ્રોવર સહિત અનેક જાણીતા લોકો હાજર રહ્યા હતા. કૃતિ સેનનના બોયફ્રેન્ડ કબીર બહલે પણ મિત્રો સાથે તસવીર શેર કરી હતી.
લગ્ન પહેલાં યોજાયેલા સંગીત સમારોહમાં સૌએ ખૂબ મજા માણી હતી. નુપુર, કૃતિ સેનન અને તેમના મિત્રોએ ડાન્સ કરીને ઉજવણીને યાદગાર બનાવી હતી. સમગ્ર લગ્નોત્સવ ખૂબ સાદો, સુંદર અને ખુશીઓથી ભરેલો રહ્યો હતો.