Charchapatra

નફ્ફટ, નઘરોળ અને જાડી ચામડી

વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતા સમાચાર પ્રમાણે સુરત શહેરમાં રસ્તાઓની પરિસ્થિતિ એકદમ બદતર બની ગઈ છે. આ બાબતમાં જે પણ કારણોને લીધે રસ્તાઓની આવી હાલત થઇ હોય તે કારણોનો નિકાલ લાવવાની અને પરિસ્થિતિને કાબૂમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી સુરત મ્યુ. કોર્પો. ના લાગતાવળગતા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની છે. પણ કોણ જાણે કેમ આવા મહત્ત્વના પ્રશ્નના નિકાલ માટે ઉદાસીનતા સેવાઈ રહી છે અને પરિણામે એવો આભાસ થાય છે કે એ તંત્રો નફ્ફટ, નઘરોળ અને જાડી ચામડીના થઇ ગયા હોય.

રીપેર કરવામાં આવેલા રસ્તા પણ પાછા બિસ્માર હાલતમાં આવી જાય તે જોતાં રસ્તા રીપેરીંગનું કામ કોઈક અણઘડના હાથમાં, જેને રસ્તા રીપેરીંગ અંગેનું કોઈ જ્ઞાન ન હોય તેવા કોન્ટ્રેકટરો અને તેવા જ મ્યુ. કોર્પો. ના અધિકારીના હાથમાં હોવું જોઈએ તેવો આભાસ થયા વગર રહેતો નથી અથવા તેમની પાસે પૂરતું જ્ઞાન છે, આવડત છે, પણ જવાબદારી નિભાવતાં નથી.  ચૂંટણી આવશે ત્યારે મત માંગતાં સહેજ પણ નહીં શરમાતાં કોર્પોરેટરો, એક વાર સત્તા હાથમાં આવી ગયા પછી પ્રજાને સવલત આપવામાં જે રીતે આંખ આડા કાન કરે છે તે શહેરની પ્રજાને ખટકે જરૂર છે.અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કેવી રીતે કામ લેવું અને પ્રજાને તકલીફ ન પડે તે જોવાની જવાબદારી આ ચુંટાયેલા પ્રતિનિધિઓની છે, જેમાં તેઓ ઊણા ઊતરી રહ્યા છે અને પરિણામે પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હજુ પણ વહી નથી ગયું, જવાબદારીઓ સમજીને જો કામ વ્યવસ્થિત રીતે હાથમાં લેવામાં આવશે તો પ્રજા ચોક્કસ સારાં પરિણામોની આશા રાખી શકે અને છેલલે એકદમ નિમ્ન કક્ષાના રસ્તા બનાવનારા કોન્ટ્રેકટરો અને ભ્રષ્ટાચાર આચરીને તેમની સાથે મળી ગયેલા મ્યુ. કોર્પો. ના અધિકારીઓ પ્રજાના ગુનેગાર છે પણ અફસોસ, કમનસીબી એ છે કે આવા ગુનેગારોને સજા કરવા માટે દેશમાં કોઈ કાયદો અસ્તિત્વ ધરાવતો નથી. જેથી આ લોકો પ્રજાની ઐસી કી તેસી સમજીને નિમ્ન કક્ષાનાં કામો કર્યે રાખે છે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બેફામ ઝડપ
બેફામ વાહન હંકારનાર ચાલક, નિર્દોષને હાનિ પહોંચાડે છે. ક્યારેક વ્યક્તિ અલવિદા પણ થઈ જાય છે. આવા બેજવાબદાર વાહનચાલકો અને રોડ પર ખતરનાક સ્ટંટ  કરનારા ખાસ વાંચે અને જાહેર રસ્તાઓ ઉપર મસમોટા અક્ષરે મૂકવા જેવું બોર્ડ, “Better Rech Late Than Never.”
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top