બોરસદના ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી, છતાં વિશ્વાસના પગલે દાન જાહેર કર્યું
આણંદ : આણંદ જિલ્લાના બોરસદના વતની અને છેલ્લા 51 વર્ષોથી અમેરિકામાં એરિઝોનામાં સેડોના સ્થિત ભટ્ટ પરિવાર કુંજુબહેન ભટ્ટ, તેમના 2 ભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) ચારુસેટ હોસ્પિટલને 2 લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જોકે, ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી. પરંતુ વિરેન્દ્રભાઈ પટેલ સાથેના સંબંધો અને વિશ્વાસના કારણે આ દાન આપ્યું છે.
બોરસદના રહેવાસી અને અમેરીકા સ્થિત કુંજુબહેન ભટ્ટ, તેમના 2 ભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા તેમના માતાપિતા તારાબહેન અને નટવરલાલ ભટ્ટની સ્મૃતિમાં યાદગીરીરૂપે અને આરોગ્ય ક્ષેત્રે ઉમદા અને સમાજોપયોગી સત્કાર્યો કરવાનો અને દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તેમની તરફથી ચારુસેટ હોસ્પિટલને 2 લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટના સદગત પિતા નટવરલાલ ભટ્ટ સામાજિક અગ્રણી અને પરિવારમાં અને સમુદાયમાં વહાલાભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે આજીવન સંઘર્ષ કર્યો છે.
કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ અમેરિકામાં 1970માં આવ્યા પછી કેલિફોર્નિયા અને ત્યાર બાદ એરિઝોનામાં સ્થાયી થયા હતા.પરિવાર પ્રત્યેની સમર્પિતતા અને પ્રતિબધ્ધતાના કારણે તેઓએ અમેરિકામાં સમગ્ર પરિવારને સ્થાયી કર્યો છે. તેઓ અમેરિકામાં આવ્યા ત્યારથી કેળવણી મંડળના ટ્રસ્ટી-સીએચઆરએફના વાઈસ પ્રેસિડન્ટ-ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય વિરેન્દ્રભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. ભટ્ટ પરિવારે વિરેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીત દરમિયાન ચારુસેટને દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેઓ વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રમાણિક્તા-સંવાદિતા-પારદર્શિતાના સિદ્ધાંતોથી આકર્ષાઈ દાન આપવા પ્રોત્સાહિત થયા હતા. જેના પરિણામે તેઓએ 2 લાખ ડોલરનો દાનનો ચેક અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં જમા કર્યો હતો. આ પરિવારનું આ માતબર દાન સમાજ માટે આરોગ્યલક્ષી પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા વર્ષ 2012માં રજિસ્ટર્ડ થયેલી છે. આ ફાઉન્ડેશનમાં દર વર્ષે નાના મોટા દાન અમેરિકામાં વસતા વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવે છે. યુએસએમાં ચારુસેટ કેમ્પસની વિવિધ સામાજિક-શૈક્ષણિક-આરોગ્યલક્ષી પ્રવૃતિઓ એનઆરઆઈ- એનઆરજીના ધ્યાનમાં આવતી હોય છે અને તેઓ કેમ્પસ ડેવલપમેન્ટ,સ્કોલરશીપ,ગોલ્ડ મેડલ,ચેર અને એન્ડોવમેન્ટ ફંડ માટે નિયમિતપણે દાન આપતા હોય છે. અમેરિકામાં ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ વિરેન્દ્રભાઈ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ સમીર વી. પટેલ અને સેક્રેટરી પંકજ બી. પટેલ છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધીમાં 5 મિલિયન ડોલર ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં દાન આપવામાં આવ્યું છે.