SURAT

હવે સુરતીઓ સુમુલ દૂધના ભાવવધારા માટે તૈયાર રહે

સુરત : વિતેલા 6 મહિનામાં ખાણદાણ-પશુ આહાર, દૂધ ઉત્પાદન ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં સુમુલ ડેરીએ 2.50 લાખ પશુપાલકોને રાહત આપવા આજે મળેલી બોર્ડ મિટિંગમાં કિલોફેટ દૂધના ભાવમાં સીધો 30 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલકો પર આર્થિક ભારણ વધતાં સુમુલનાં બોર્ડે પશુપાલકોને રોજના 30 લાખ અને મહિને 9 કરોડ વધુ ચૂકવવાનો નિર્ણય લીધો છે. દૂધ ખરીદીનો આ ભાવ વધારો આવતીકાલથી લાગુ કરવામાં આવશે. જો કે, પશુપાલક માટે આ સમાચાર સારા છે પરંતુ સુમુલના લાખો ગ્રાહકો એવા સુરતીઓએ વધારે ખુશ થવાની જરૂર નથી કારણ કે, ટૂંક સમયમાં જ લીટરે એકથી બે રૂપિયા વધુ ખર્ચવા માટે તેમણે તૈયાર રહેવું પડશે.

  • સુમુલ ડેરીએ કિલોફેટ દૂધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરતાં 2.50 લાખ પશુપાલકોને રાહત
  • પશુપાલકો પર આર્થિક ભારણ વધતાં સુમુલનાં બોર્ડે મહિને 9 કરોડ વધુ ચૂકવવાનો નિર્ણય લીધો : માનસિંહ પટેલ
  • ગાયના દૂધનો કિલોફેટે ખરીદી ભાવ 750થી વધીને 780, જ્યારે ભેંસના દૂધનો 780થી વધીને 810 રૂપિયા કરવામાં આવ્યો

ગાયના દૂધનો કિલો ફેટે ખરીદી ભાવ 750થી વધીને 780 થયો છે. જ્યારે ભેંસના દૂધનો કિલો ફેટે ખરીદી ભાવ 780થી વધીને 810 કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. સહકારીતાની ભાવના સાથે નહીં નફો- નહીં નુક્શાનના સુત્રને અનુસરી દૂધ ઉત્પાદકોને વધુને વધુ વળતર મળે તે માટે સુમુલના નિયામક મંડળે સર્વાનુમતે નિર્ણય લીધો છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે વધુમાં જણાવ્યું છે કે પશુપાલકોએ પરિસ્થિતિને અનુકૂળ થઈને સખત મહેનત કરીને આ ઉદ્યોગને જીવંત રાખ્યો છે. સતત મોંઘવારીને કારણે પશુપાલન કરવું પણ ખૂબ ખર્ચાળ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુમુલ ડેરી સાથે જોડાયેલા તમામ પશુપાલકો માટે નવો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને બોર્ડને આ નિર્ણય લેવો પડ્યો છે.

સુમુલ ડેરીના સિનિયર ડિરેક્ટર જયેશ એન.પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીએ કોરોનાનો કપરો કાળ હોય કે અન્ય કોઈ આપત્તિ પશુપાલકોનું વિશેષ દયાન રાખ્યું છે. વર્ષ 2022માં ડેરીએ 4 વાર કિલોફેટ દૂધના ભાવ વધાર્યા હતાં. 2023 નાં વર્ષમાં સીધો 30 રૂપિયાનો વધારો કર્યો છે જે સુમુલનાં ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વાધિક વધારો છે. દર મહિને પશુપાલકોને દૂધની ખરીદી સામે 9 કરોડ વધુ ચૂકવાશે. આજે મળેલી સુમુલની વ્યવસ્થાપક કમિટીની બેઠકમાં સુમુલના વાઇસ પ્રેસિડેન્ટ રાજુભાઇ પાઠક, ડિરેક્ટર સંદીપ દેસાઈ, નરેશભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, કાંતિભાઈ ગામીત, રેશાભાઈ ચૌધરી સહિતનાં ડિરેક્ટરો હાજર રહ્યાં હતાં.
સુમુલ ડેરીએ પશુપાલકોને દૂધની ખરીદીનો વધુ ભાવ ચુકવતાં સુરત શહેરનાં ગ્રાહકોને લીટરે એક થી બે રૂપિયા વધુ ચૂકવવા તૈયાર રહેવું પડશે. તાજેતરમાં અમૂલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લીધે સુમુલે છેલ્લા 8 મહિનાથી દૂધના ભાવો વધાર્યા ન હતાં. એ જોતાં સુમુલ ટૂંક સમયમાં દૂધના ભાવ વધારી શકે છે. સુરત-તાપીમાં અત્યારે રોજ 12.50 લાખ લીટર દૂધનું વેચાણ થઈ રહ્યું છે.

Most Popular

To Top