આ વખતની લોકસભાની ચૂંટણી અતિ લાંબા તબક્કામાં થતાં સ્વાભાવિક રીતે જ નેતાઓનું ધ્યાન કામકાજ પ્રત્યે ના હોય તે દેખીતું છે. ભારત સતત ચૂંટણીમય બની ગયું હતું. રાજકીય પક્ષો પોતાનાં ભાષણોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં હોય છે, પરંતુ મંદ પડેલા ધંધાની સમસ્યા વિશે તો કંઈ જ બોલતા નથી. છેલ્લા કેટલાય સમયથી ધંધાઓ સાવ મંદ પડી ગયા છે. હાલ હીરા જરી તેમજ ટેક્સ્ટાઇલ ઉદ્યોગની આખી ચેઇનની હાલત અત્યંત કફોડી છે. દરેક વેપારીઓ ભારે મંદીનો સામનો કરી રહ્યા છે.
માર્કેટમાં ગ્રાહકોની કોઈ જ અવર-જવર નથી. ઘરાકીના અભાવે વેપારી સવારે દુકાન ખોલે છે અને નહિવત્ વ્યાપાર કરી સાંજે ઘરે પાછા ફરે છે, પરિણામે કાપડ કે હીરા અને જરીનું ઉત્પાદન કરતાં વેપારીઓ પાસે માલનો સ્ટોક વધતો જાય છે ત્યારે હાલની મોંઘવારીમાં ઘર અને તંત્ર કેમ ચલાવવું તે હવે જટિલ પ્રશ્ન બની ગયો છે. ગમે તેવી મોંઘવારી હોય, પરંતુ જો ધંધો હોય તો એ મોંઘવારી સહન કરતાં પ્રજાને આવડે છે, પરંતુ ધંધો જ ના હોય તો પછી માણસે કરવું શું? બધા જ પક્ષની નીતિ માત્ર ચૂંટણીઓ જીતવા જ નહીં, પરંતુ લોકોના ધંધાઓનું પણ ધ્યાન રાખવાની હોવી જોઈએ.
દરેકનું ઘર ધંધાથી ચાલે છે અને સરકાર ટેકસથી ચાલે છે. જો ધંધો જ ના હોય તો પછી ટેક્સ પર પણ ગંભીર અસર પડી શકે છે. જો આમ જ ચાલતું રહેશે તો પછી જે જે ક્ષેત્રમાં મંદી છે તેવા ધંધા વગરનાં બેરોજગારોને કેવી રીતે સાચવવા એ એક ગંભીર પ્રશ્ન છે. ધંધાઓમાં વેપારીઓને તકલીફ પડે છે. દરેક ધંધા ફરી પાટે ચડે એ જોવાની અને મદદ કરવાની સરકારની ફરજ છે અને તે મદદ હાલના સમયમાં મંદ પડેલા ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.