SURAT

હવે સુરતના આ વિસ્તારમાં પણ ગંદું અને દુર્ગંધ મારતું પાણી આવવા લાગ્યું

સુરત: ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં કેટલાંક વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે. થોડા દિવસ પહેલાં વરાછા, ઉધના અને કતારગામ વિસ્તારમાં વાસ મારતું અને ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી હતી. તેમજ રાંદેર ઝોનમાં પણ છેલ્લા ઘણા સમયથી પીળું પાણી આવવાની ફરિયાદ ઊઠી હતી.

આ સમસ્યાના નિવારણ માટે પદાધિકારીઓએ હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક યોજી હતી. અને ત્યારબાદ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. જો કે, ત્યાર પછી પણ આ વિસ્તારોની ગંદા પાણીની સમસ્યા તો દૂર થઇ નથી અને હવે ભેસ્તાનમાં રંગીન અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી છે.

શહેરમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી વાસ મારતું આવતું હતું તો કેટલાક ઠેકાણે પીળા રંગનું પાણી આવતું હતું. જેને પગલે પાણીની પાઇપલાઇન ખોદીને ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, વિયરનું લેવલ નીચે ગયું હોવાથી પાણીની ગુણવત્તા પર માઠી અસર પડી છે.

આ સમસ્યા દૂર કરવા માટે તા. 18 થી 21 એપ્રિલ દરમિયાન ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી પણ છોડવામાં આવ્યું હતું. આ પ્રયત્ન પછી પણ સુરતના રાંદેર, કતારગામ વરાછા અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ સાથે સાથે ઘણી વાર જીવાત વાળું મળતું હોવાની ફરિયાદ આવી રહી છે.

તો બીજી તરફ હવે ઉધના ઝોનમાં રંગીન અને દુર્ગંધ મારતા પાણીની સમસ્યા ઊભી થઇ છે. આ ફરિયાદ પછી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વોટરવર્કસમાં તપાસ કરાઈ હતી પરંતુ ત્યાં પાણીની ગુણવત્તામાં કોઇ સમસ્યા નથી પણ ડિસ્ટ્રીબ્યુશન વખતે લાઈન લીકેજ હોવાથી આવું થઇ રહ્યું હોવાની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ઉધના ઝોન વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ છે તેથી લાઈન લીકેજ હોવાથી કે કોઈ કંપની દ્વારા ડ્રેનેજ માં છોડવામાં આવતું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાને કારણે આવું પાણી આવતું હોવાનું હાલ જણાયું છે. જો કે, કારણ કોઇ પણ હોય તે સમસ્યા શોધીને તેનું નિરાકરણ કરવાની જવાબદારી તો સુરત મહાનગર પાલિકાની જ છે.

Most Popular

To Top