સુરતઃ કેન્દ્ર સરકારે આખરે ત્રણ વર્ષ પછી યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પરથી કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ હટાવી લેતા સુરતના કાપડ ઉદ્યોગમાં આનંદ છવાયો છે. આ નિર્ણયથી દેશમાં મેન મેડ ફાઇબર (MMF) આધારિત યાર્ન અને યાર્નના રો મટીરિયલ PTA, MEG ઉત્પાદન અને ઈમ્પોર્ટ કરવા પર લાગુ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર ઊઠી ગયા છે.
- જેને કારણે ચીનનું સસ્તું યાર્ન આયાત કરી શકાતું નહોતું તેવા યાર્ન પરથી QCO હટ્યા, ટેક્સટાઈલ ઉદ્યોગને રાહત
- QCO લગાડવાને કારણે યાર્ન તેમજ તેના રો-મટિરિયલ્સના ભાવો વધી ગયા હતા
- હવે ફરી સસ્તું યાર્ન સરળતાથી આયાત કરવાનો માર્ગ ખુલ્યો, ચેમ્બરે ફટાકડાં ફોડ્યા
આ નિર્ણયને પગલે હવે વિદેશથી 17 પ્રકારના સ્પેશ્યલાઈઝ યાર્ન, યાર્નનું રોમાટિરિયલ અને સુરતમાં પોલિએસ્ટર ફેબ્રિક ઉત્પાદન માટે જરૂરી સસ્તું અને સારું યાર્ન સરળતાથી ફરી ઈમ્પોર્ટ કરવાનો માર્ગ મોકલો થયો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ફિઆસ્વી અને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે આ નિર્ણય લેવાયો હતો. આ અંગે ચેમ્બરમાં પત્રકાર પરિષદને સંબોધતા ફોગવાના પ્રમુખ અને ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ચેમ્બર, ફિઆસ્વી, ફોગવા અને વિવિંગ સંગઠનો BISના QCO રદ કરવા સતત કેન્દ્ર સરકારને રજૂઆત કરી રહી રહ્યા હતા.
સરકાર દ્વારા જુલાઇ– ર2023થી MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ PTA અને MEG ઉપર QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓકટોબર– 2023 થી પોલિએસ્ટર યાર્નના જેટલા પણ FDY, POY, IDY અને PSF છે, એના ઉપર પણ QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો.
QCO ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે BISનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં આ મટિરિયલ્સ વેચી શકે એ પ્રકારનો આ ઓર્ડર હતો. એના કારણે ભારતમાં MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઇ ગઇ હતી. જેના કારણે ઘણા સ્પેશ્યાલિટી યાર્નની અછત ભારતમાં વર્તાતી હતી.
ખાસ કરીને સ્પેશ્યલ લાઇફ સ્ટાઇલ ફેબ્રિકનું ઉત્પાદન નહીંવત જેવું થઇ ગયું હતું. જોકે, હવે તમામ QCO ઓર્ડર હટી જતાં ભારતમાં ટેક્ષ્ટાઇલના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરી ભારતથી એક્ષ્પોર્ટ વધારશે.
MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સની 60% ખપત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કરે છે: અશોક જીરાવાળા
ચેમ્બરમાં ઉપપ્રમુખ પ્રમુખ અશોક જીરાવાળાએ કહ્યું હતું કે, MMF ટેક્ષ્ટાઇલ્સનું આખા દેશમાં થતા કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઉત્પાદન માત્ર સુરતમાં થાય છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીની રાહબરી હેઠળ ચેમ્બરના ઉપપ્રમુખ તેમજ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી તથા ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ગાંધી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશીષ ગુજરાતી અને ચેમ્બરની ટેક્ષ્ટાઇલ નીટિંગ કમિટીના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળીને નવી દિલ્હી ખાતે રજૂઆતોનો દૌર શરૂ કર્યો હતો. આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆતોને પરિણામે ભારત સરકારે ગતરોજ MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ પરથી QCO ને નાબૂદ કર્યો હતો.
ઐતિહાસિક ઘટાડો: મધર યાર્નના ભાવમાં એક જ દિવસમાં કિલોએ 27 રૂપિયા ભાવ ઘટ્યા
MMF યાર્ન અને યાર્નના રોમટીરિયલ પરથી બ્યુરો ઓફ સ્ટેન્ડર્ડના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર રદ કરવાની જાહેરાત સાથે જ ડોમેસ્ટિક સ્પિનર્સ દ્વારા મધર યાર્નના ભાવમાં એક જ દિવસમાં કિલોએ 27 રૂપિયા ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.137 રૂપિયા પ્રતિ કિલો યાર્નનાના ભાવ ઘટીને 110 રૂપિયા થઈ ગયા છે. કેટલાક પીઓવાય અને એફડીવાય યાર્નના ભાવો કિલોએ 23 રૂપિયા તૂટી ગયા હતા.

સુરતના કાપડ ઉદ્યોગે યાર્ન પરનો આવો ઘટાડો ક્યારે જોયો નથી. સુરત નાયલોન વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુર ચેવલીએ જણાવ્યું હતું કે, BIS ના QCO ની આડમાં ડોમેસ્ટિક સ્પિનર્સએ સ્પેશ્યલાઈઝ યાર્નની અછત વચ્ચે ભાવો ખૂબ વધારી દીધા હતા.અમારા અંદાજ મુજબ MMF યાર્નના ભાવો કુલ 40 રૂપિયા સુધી ઘટી શકે છે.
ચીનથી આયાત થતા 30% ક્વોલિટી યાર્નની ઊભી થયેલી અછત દૂર થશે: મયૂર ગોળવાલા
સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી અને અગ્રણી વિવર મયૂર ગોળવાલા એ જણાવ્યું હતું કે, BIS ના QCO લાગ્યા પછી સુરતના કાપડ ઉદ્યોગમાં ચીનથી આયાત થતા 30% ક્વોલિટી યાર્નની ઊભી થયેલી અછત દૂર થશે. ચીનમાં શાંઘાઈ કોર્પોરેશનની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિન પિંગ વચ્ચે થયેલા વાર્તાલાપને પગલે આ નિર્ણય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં આવ્યો છે.
સુરતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપનારું પગલું, મશીનરી પર પણ BIS ન લાગે એ જોઈશું: ભરત ગાંધી
ભારત સરકારની ટેકસટાઈલ કમિટીના સભ્ય અને ફિઆસવીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સુરતના હજારો એકમોને મોટી રાહત મળશે. ટેકસટાઈલ મશીનરી BIS ના QCO ઓગસ્ટ 2026 સુધી મોકૂફ રહ્યાં છે. નવા વર્ષે મશીનરી પરથી પણ BIS ના QCO લાગુ ન થાય એ માટે સરકારને રજૂઆત કરીશું.
સ્પેશ્યલાઈઝ યાર્નની અછત દૂર થશે: વિજય મેવાવાલા
ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને વિવર અગ્રણી વિજય મેવાવાલા એ જણાવ્યું હતું કે,આ નિર્ણયથી 17 પ્રકારના આયાતી સ્પેશ્યલાઈઝ યાર્ન જે ભારતમાં બનતા નથી એની અછત દૂર થશે,યાર્નની શોર્ટ ફોલ પૂરો થશે.ગારમેન્ટ ઉદ્યોગને પણ લાભ થશે.એક્સપોર્ટ અને રોજગારી વધશે.
ગારમેન્ટ, ટેકનિકલ ટેકસટાઈલ ઉદ્યોગને પણ લાભ થશે:આશિષ ગુજરાતી
ચેમ્બરમાં પૂર્વ પ્રમુખ અને પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી એ જણાવ્યું હતું કે, QCO લાગ્યો એ પછી 15 થી 40% ભાવ વધ્યા હતા એ ઘટશે, આયાતી યાર્ન 400% મોંઘા થયા હતા. એમાં ડાઉન ફોલ આવશે. નિટિંગ વિવિંગમાં નવું રોકાણ આવશે. PTA MEG,POY FDY માં કેપેસિટી વધારો ન હતો, એ વધશે.