કોરોનાની રસી ન લેવા છતાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયામાં રહેવા માટેની કાનુની લડાઇ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે જીતી તો લીધી પણ તે છતાં એ નાટકનો જાણે કે અંત જ ન આવવાનો હોય તેમ ઓસ્ટ્રેલિયન સરકારે બીજીવાર તેના વિઝા રદ કરીને તેને ત્યાંથી ડિપોર્ટ કરવાની ધમકી આપી દીધી છે. આ વિવાદ એવો ગાજ્યો કે ઓસ્ટ્રેલિયા અને સર્બિયાના વડાપ્રધાનોએ જોકોવિચના વિઝા મામલે એકબીજા સાથે ટેલિફોનિક ચર્ચા કરવી પડી હતી. સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા નોન સિટીઝનને જ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશની જે મુક્તિ મર્યાદા છે તે માપદંડ જોકોવિચ પુરી કરતો ન હોવાથી સ્થાનિક અધિકારીઓએ જે વિઝા રદ કરી દીધા હતા તે ફેડરલ સર્કિટ કોર્ટના જજ એન્થની કોલીએ બહાલ કર્યા હતા. જજે એવી નોંધ કરી હતી કે આ નિર્ણય લેતા પહેલા નંબર વન ખેલાડીને તેના વકીલો સાથે વાત કરવા માટે પુરતો સમય અપાયો નથી અને તેમણે આદેશ કર્યો હતો કે મેલબોર્નની ક્વોરેન્ટીન હોટલમાં ચાર દિવસથી ગોંધાયેલા જોકોવિચને 30 મિનીટમાં જ મુક્ત કરી દેવો. હવે જજે તો પોતાની રીતે ચુકાદો આપી દીધો પણ ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી અને અધિકારીઓ જાણે કે આ મામલે હાર માનવા રાજી હોય તેવું લાગતું નહોતું અને તેથી જ તેમણે જોકોવિચને ડિપોર્ટ કરવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી હતી.
જે હોટલમાં જોકોવિચને રખાયો હતો તેને ઇમિગ્રેશન કેસમાં ફસાયેલા લોકો માટેની જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થાત અહીં એવા લોકોને રાખવામાં આવે છે જેઓ વિઝા અને પાસપોર્ટ સંબંધી કેસમાં ફસાયેલા હોય છે અથવા ઓસ્ટ્રેલિયામાં શરણાર્થી બનવાની આશામાં ઘુસી આવ્યા હોય છે. હોટલ પાર્ક ઇનમાં અલગઅલગ દેશોના કુલ 32 લોકો બંધ છે. તેમાંથી કેટલાક તો ઘણાં વર્ષોથી અહીં પુરાયેલા છે. તેમને કોઇ મંજૂરી વગર બહાર જવા મળતું નથી. તેમણે નાના રૂમમાં રહેવું પડે છે અને ઠેક ઠેકાણે ગાર્ડનો પહેરો હોય છે. અહી પુરાયેલા લોકોએ ઘણીવાર ભોજનમાં જીવડા હોવાની પણ ફરિયાદો કરી છે. નોવાક જોકોવિચના વકિલોએ વિશ્વમાં પ્રથમ ક્રમના ટેનિસ ખેલાડીને દેશનિકાલને પડકારતા અદાલતમાં માહિતી આપી હતી કે આ સ્ટાર ખેલાડી ગયા મહિને કોવિડ-19થી સંક્રમિત થયો હતો, આ જ આધારે તેણે ઓસ્ટ્રેલિયાના કડક રસીકરણ નિયમોથી છૂટ મેળવવા અરજી કરી હતી. જોકોવિચને બુધવારે મેલબોર્ન હવાઈ મથક પર પ્રવેશ આપવાનો નન્નો ભણાયો હતો. બે સ્વતંત્ર તબીબી કમિટિને જોકોવિચે માહીતી મોકલી હતી જેના આધારે તેને તબીબી છૂટ મળી હતી જેને વિક્ટોરિયા રાજ્ય સરકાર અને ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ સમર્થન આપ્યું હતું. પણ ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે ઇમીગ્રેશન અધિકારીઓએ આ તબીબી છૂટને ગેરકાયદે ગણાવી હતી.
હાલ તો ઓસ્ટ્રેલિયન ઓપન માટે જોકોવિચને ટોચનો ક્રમાંક અપાયો છે અને આયોજકોએ એવું માની લીધું છે કે જોકોવિચનું રમવાનું નક્કી છે. જો કે ઓસ્ટ્રેલિયન સરકારના મનમાં ખાસ તો ઇમિગ્રેશન મંત્રીના મનમાં શું ચાલે છે તે કોઇને ખબર નથી. કોર્ટના આદેશથી તેઓ ધુંધવાયેલા છે અને તેના કારણે તેઓ જોકિવચના વિઝા કેન્સલ કરીને તેને ડિપોર્ટ કરી પણ શકે છે. જોકોવિચ માટે ઓસ્ટ્રેલિયન ઓપન લકી છે અને તેણે જીતેલા કુલ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલમાં 9 ઓસ્ટ્રેલિયન ઓપન છે અને તે કોઇપણ ભોગે આ વર્ષે પણ અહીં જીતવા માગે છે, જો કે તે વેક્સીન લેવા માગતો નથી જ્યારે ઓસ્ટ્રેલિયન સરકાર કોઇ એક વ્યક્તિ માટે નિયમ બદલવા માગતી નથી. ઓસ્ટ્રેલિયમાં ક્વોરેન્ટીનના નિયમો પણ ઘણાં કડક છે અને વેક્સીનના ડોઝ વગર અહીં કોઇને ઘુસવાની મંજૂરી નથી. જોકોવિચના વિઝા રદ કરીને તેને ડિપોર્ટ કરાશે તો તેના પર ઓસ્ટ્રેલિયામાં 3 વર્ષ સુધી પ્રવેશબંધી આવી જશે.