રમતોના સૌથી મોટા મહાકુંભનું આયોજન 23મી જુલાઇથી ટોક્યોમાં થઇ રહ્યું છે અને આ ટોત્યો ઓલિમ્પિક્સમાં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પાસે ગોલ્ડન સ્લેમનો ઇતિહાસ રચવાની એક મોટી તક આવી છે. મહત્વની વાત એ છે કે તેના બે મુખ્ય પ્રતિસ્પર્ધી અને બિગ થ્રીમાં સામેલ રાફેલ નડાલ તેમજ રોજર ફેડરર ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાના નથી. વળી હાલમાં જોકોવિચ જે ફોર્મમાં છે તેને ધ્યાને લેતા ગોલ્ડન સ્લેમ પુરો કરતાં તેને કોઇ રોકી શકે તેવી સંભાવના દેખાતી નથી.
પહેલા જોકોવિચ પણ ટોક્યોમાં ભાગ લેવા માટે અસમંજસમાં હતો પણ વિમ્બલડન ટાઇટલ જીત્યા પછી તેની પાસે ગોલ્ડન સ્લેમ પુરો કરવાની એક તક આવી છે. જો જોકોવિચ ટોક્યો ઓલિમ્પિક્સ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી લેશે તો પછી તેણેં વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપન જીતવાની જરૂર રહેશે અને વર્ષની ચારેય ગ્રાન્ડસ્લેમની સાથે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતીને તે ગોલ્ડન સ્લેમ પુર્ણ કરી શકશે. આ પહેલા જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં ટાઇટલ જીત્યું છે. ફએડરર અને નડાલની ગેરહાજરીમાં તેની સામે પડકાર ફંકી શકે તેવા ખેલાડીઓમાં ડેનિલ મેદવેદેવ અને મેટિયો બેરેટિની જેવા કેટલાક ગણતરીના ખેલાડીઓ છે.
જોકોવિચ જો ટોક્યોમાં ગોલ્ડ જીતશે અને તે પછી યુએસ ઓપન ટૂર્નામેન્ટ પણ જીતી લેશે તો તે ગોલ્ડન સ્લેમ પુરો કરનારો પહેલો પુરૂષ ખેલાડી બનશે. આ પહેલા સ્ટેફી ગ્રાફ એકમાત્ર એવી ખેલાડી રહી છે જેણે ચારેય ગ્રાન્ડસ્લેમ જીત્યા પછી ઓલિમ્પિક્સ ગોલ્ડ જીતીને ગોલ્ડન સ્લેમ પુરો કર્યો હતો. હવે જોકોવિચ પાસે ટેનિસ ઇતિહાસમાં પહેલો પુરૂષ ખેલાડી અને ઓવરઓલ માત્ર બીજો એવો ખેલાડી બનવાની તક આવી છે.