Sports

ટોક્યો ઓલિમ્પિક્સ વિલેજની ભવ્યતા સૌથી અનેરી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ તેમજ એથ્લેટ જાપાનના પાટનગરમાં પહોંચી રહ્યા છે. ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે ટોક્યો ગેમ્સ વિલેજની ભવ્યતા કંઇક અલગ જ લાગી રહી છે અને પહેલીવાર ઓલિમ્પિક્સ વિલેજ કંઇક અલગ લાગી રહ્યું છે. 108 એકરમાં પથરાયેલા ઓલિમ્પિક વિલેજન ઘણું ભવ્ય છે અને તેની ખાસિયત પણ અલગ જ છે. મહત્વની વાત એ છે કે આ ગેમ્સ વિલેજની ત્રણ તરફે સમુદ્ર છે અને આ વિલેજમાં 18 માળ ધરાવતી 21 ભવ્ય ઇમારતો છે.

ગેમ્સ વિલેજમાં જ લાકડાઓ વડે એક શોપિંગ એરિયા બનાવાયો છે. જેમાં 10 હજાર લાકડાના મોટા ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. આ લાકડાના ટુકડાંઓ જાપાનની 63 નગર પાલિકા અને પંચાયતો દ્વારા આપવામાં આવ્યા છે. જે લાકડાનો ટુકડો જ્યાંથી આવ્યો છે તેના પર તેને દાન કરનારા સ્થળનું નામ લખાયેલું છે અને જેવી ગેમ્સ પુરી થશે કે તે પછી આ લાકડાના ટુકડાંઓ તેમને પરત મોકલી દેવાશે.

ગેમ્સ વિલેજની 21 બિલ્ડીંગમાં કુલ મળીને 18000 એથ્લેટ્સ અને સપોર્ટ સ્ટાફના સભ્યો રહી શકે તેવી વ્યવસ્થા છે. તેના દરેક રૂમ એસીયુક્ત છે અને તેમાં બે બેડ અને બે કબાટ મુકવામાં આવ્યા છે. આ ગેમ્સ વિલેજ પાછળ કુલ 36 અબજ રૂપિયાનો ખર્ચો કરાયો છે. ઓલિમ્પિક પુરો થયા પછી આ બિલ્ડીંગને ફ્લેટમાં ફેરવીને સામાન્ય લોકોને રહેવા માટે ખુલ્લા મુકવામાં આવશે.

ગેમ્સ વિલેજમાં બે માળનો ડાઇનિંગ હોલ પણ તૈયાર કરાયો છે, કે જેથી વધુ ભીડભાડ ન થાય અને આરામથી બેસીને ભોજન કરી શકાય. સાથે જ તેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે ડાઇનીંગ ટેબલો પર ફાઇબર ગ્લાસ લગાવાયા છે.

24 કલાક ચાલનારા આ ડાઇનિંગ હોલમાં કુલ 3800 સીટ છે અને ખેલાડીઓને ભોજનમાં 700 પ્રકારના ઓપ્શન મળી રહેશે. ગેમ્સ વિલેજમાં ફિટનેસ સેન્ટર, મેડિકલ કેર સુવિધા ઉપલબ્ધ રહેશે. ખેલાડીઓને આવવા જવા માટે ઓટોમેટિક ઇલેક્ટ્રીક ગાડીઓ પણ ગેમ્સ વિલેજમાં રાખવામાં આવી છે.

Most Popular

To Top