Sports

પુરૂષોમાં સર્વાધિક અઠવાડિયા સુધી નંબર વન રહેવાનો ફેડરરનો રેકોર્ડ જોકોવિચે તોડ્યો

સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સોમવારે પુરૂષ કેટેગરીમાં સર્વાધિક અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો સ્વિત્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેડરરનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. ફેડરર 310 અઠવાડિયા સુધી નંબર વન પર રહ્યો હતો.

જ્યારે જોકોવિચે સોમવારે 311 અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે ટેનિસ વિશ્વમાં ઓવરઓલ સર્વાધિક સમય સુધી નંબર વન પર રહેવાનો રેકોર્ડ જોવામાં આવે તો તે સ્ટેફી ગ્રાફના નામે છે, તે પછી માર્ટીના નવરાતિલોવા અને સેરેના વિલિયમ્સનો નંબર આવે છે અને આ ત્રણ મહિલા ખેલાડી પછી જોકોવિચનો નંબર આવે છે.

જોકોવિચ પોતાની કેરિયરમાં પાંચ વાર નંબર વન રહ્યો છે. સૌથી વધુ તે જુલાઇ 2014થી નવેમ્બર 2016 દરમિયાન 122 અઠવાડિયા સુધી નંબર વન રહ્યો હતો. તે પહેલા 2011થી 2012ની વચ્ચે 53 અઠવાડિયા, 2012થી 2013ની વચ્ચે 48 અઠવાડિયા અને 2018થી 2019 વચ્ચે 52 અઠવાડિયા સુધી નંબર વન રહ્યો હતો. હાલમાં તે ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી કુલ 36 અઠવાડિયાથી નંબર વન છે. જો કે સતત 237 અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો રેકોર્ડ આજે પણ રોજર ફેડરરના નામે છે.

પુરૂષોમાં સર્વાધિક સમય સુધી નંબર વન પર રહેવાનો રેકોર્ડ બનાવનારા જોકોવિચે ઓવરઓલ રેકોર્ડ બનાવવા માટે ઘણી લાંબી રાહ જોવાનો વારો આવી શકે છે. કારણકે જર્મનીની સ્ટેફી ગ્રાફ સૌથી લાંબો સમય સુધી નંબર વન પર રહેવાનો ઓવરઓલ રેકોર્ડ ધરાવે છે. સ્ટેફી 377 અઠવાડિયા સુધી નંબર વન રહી હતી. તે પછી બીજા ક્રમે રહેલી માર્ટીના નવરાતિલોવા 332 અઠવાડિયા સુધી નંબર વન પર રહી હતી અને તેના પછી ત્રીજા ક્રમે બેઠેલી સેરેના વિલિયમ્સ 319 અઠવાડિયા સુધી નંબર વન રહી ચુકી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top