Charchapatra

નોટ બદલી -2

રીઝર્વ બેન્કે 2000ની ચલણી નોટ તા. 23 મેથી તા. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેન્કમાં જમા કરાવવા અથવા ડોકયુમેન્ટ કે આઇડી વગર રૂા. 20000 સુધી (10 નોટ) બદલી આપવાની જાહેરાત કરી છે. દુનિયાની કોઇ બેન્કમાં ડોકયુમેન્ટ કે આઇડી પ્રુફ વગર નાણાંકીય વહેવાર થઇ શકતો નથી. આનો જાણે રીઝર્વ બેન્કે કાળા નાણાંને ધોળા કરી આપવાનો રસ્તો કરી આપ્યો હોય એમ લાગે છે. જયારે મોરારજી દેસાઇ નાણાંપ્રધાન હતા અને રૂા. 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી ત્યારે રૂા. 1000ની નોટો માત્ર ખાતામાં જમા કરાવવાની હતી અને સરકારે તપાસ કરીને પછી જ યોગ્ય માત્રામાં પૈસા પાછા આપ્યા હતા. જેને લઇને ફુગાવો ઓછો થઇ ગયો, કાળા નાણાં ફરતાં ઘટી ગયા અને સિંગતેલ રૂા. 5માં કિલો અને ખાંડ રૂા. 2માં કિલો વેચાતી હતી. જો રીઝર્વ બેંક સાચા અર્થમાં કાળું નાણું ઓછું કરવા માંગતી હોય અને મધ્યમ તથા સામાન્ય વર્ગને મોંઘવારીમાં રાહત આપવા માંગતી હોય તો રીઝર્વ બેન્કે ડોકયુમેન્ટ કે આઇડી વગર રૂા. 20000 સુધી 2000ની નોટ બદલી આપવાના ઓર્ડર તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઇએ અને માત્ર ખાતેદાર રૂા. 20000 (10 નોટ) જમા કરી શકે એવા ઓર્ડર કરવાની જરૂર છે.
નવસારી – દોલતરાય એમ. ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહિલાઓને પિરિયડસ સમયે નોકરીમાં રજા અંગેનો એક સર્વે
મહિલાઓના માસિક સ્રાવમાં પરાપૂર્વથી વપરાતાં કપડાં ( આર્થિક કારણોસર અથવા તે અંગેની યોગ્ય સમજને અભાવે)અંગે જાગ્રતિ લાવવા “ પેડમેન”(2018) ફિલ્મ પણ બની.” માસિકા”અન્ગે જાગૃતિ લાવવા ઘણા કાર્યક્રમો થાય છે.પરંતુ માસિક સ્રાવ ( પિરિયડસ) ના સમયગાળા દરમ્યાન ( વર્કિંગ વુમન ) ને જોબ પ્લેસ પર પડતી મુશ્કેલીઓ અંગે અમદાવાદ સહિત દેશની ૧૦૦૦૦ યુવતી ઓ અને મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેનાં તારણો કંઈક આવાં હતાં. મોટા ભાગની સ્ત્રીઓને આ સમય દરમ્યાન પીડા વેઠવી પડે છે તેથી આરામની જરૂરિયાત રહે છે.દેશમાં લગભગ 73% મહિલાઓ ઈચ્છે છે કે કંપનીઓ તેમને માસિકના સમયે રજા લેવાની મંજૂરી આપે. જયારે 86.% મહિલાઓ ઈચ્છે છે કે વર્ક પ્લેસ પર હાઈજીન મેથડ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આમ, સરેરાશ મહિલાઓ આ સમય દરમ્યાન નોકરીમાં રજા મળે (પેઈડ કે અનપેઈડ) , મંજૂર થાય એવું ઈચ્છે છે.
સુરત -વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top