નવી દિલ્હી: સામાન્ય રીતે દર વર્ષે મકરસંક્રાંતિ પછી શિયાળની (Winter) અસર ઓછો થવા લાગે છે, પરંતુ આ વખતે પારો અને ધુમ્મસ (Fog) બંને અડીખમ બન્યા છે. પહાડોથી માંડીને રણ વિસ્તાર સુધી લોકોએ ઠંડીથી (Cold) હેરાન થઈ ગયા છે. દિવસને દિવસે ઠંડીનું જોર વધવા લાગ્યું છે. દેશની રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં (North India) આજે એટલે કે 18 જાન્યુઆરીએ સવારની શરૂઆત જ ઠંડીના પ્રકોપ સાથે થઈ હતી.
દિલ્હીમાં ઠંડા પવન સાથે હિમ વર્ષા જેવી સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં વૃક્ષો અને ઝાડીઓના પાંદડા પર બરફ જેવું સફેદ પડ જોવા મળ્યું હતું. તાપમાનની વાત કરીએ તો આજે (બુધવાર) 18 જાન્યુઆરીએ દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ અને સફદરજંગમાં 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. આ સાથે હળવો વરસાદ પડી શકે છે. પરંતુ આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસ બાદ વરસાદનો માર સહન કરવો પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યા છે. પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 જાન્યુઆરીની રાત્રે સક્રિય થશે, જેના કારણે આવતીકાલે, 19 જાન્યુઆરીએ દિલ્હીના તાપમાનમાં વધારો થવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રહેશે. જેની વ્યાપક અસર જોવા મળી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 થી 25 જાન્યુઆરી સુધી સક્રિય રહેશે
દિલ્હીમાં શિયાળાના પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે અને તેના કારણે દિલ્હીમાં આ સિઝનનો પહેલો વરસાદ પડશે. એટલું જ નહીં દિલ્હીમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હી ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ વરસાદની આશંકા છે, એટલે કે કડકડતી ઠંડી બાદ વરસાદ ત્રાટકશે.
વરસાદ સાથે કરા પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 જાન્યુઆરીની સવારથી 25 જાન્યુઆરી સુધી પશ્ચિમના હિમાલયના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. જેના કારણે દિલ્હીમાં 23 અને 24 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. દિલ્હી ઉપરાંત જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ વરસાદ પડી શકે છે.
આ સિવાય દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. 23-24 જાન્યુઆરીએ હવામાન પ્રવૃત્તિઓ તેની ટોચ પર રહી શકે છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 25 જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. આ શિયાળાની ઋતુમાં અત્યાર સુધી દિલ્હીમાં વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવને આનું કારણ આપ્યું છે. જ્યારે, ગયા વર્ષે, શહેરમાં જાન્યુઆરીમાં 82.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1901 પછીના મહિના માટે સૌથી વધુ છે. દિલ્હીમાં આ અઠવાડિયે વર્ષનો પહેલો વરસાદ થવાની સંભાવના છે.
IMDના ડેટા અનુસાર, દિલ્હીમાં 5 થી 9 જાન્યુઆરી દરમિયાન તીવ્ર શીત લહેર જોવા મળી હતી, જે છેલ્લા 10 વર્ષમાં બીજો સૌથી લાંબો સમયગાળો છે. આ સાથે, આ મહિનામાં અત્યાર સુધીમાં 50 કલાકથી વધુ ગાઢ ધુમ્મસ નોંધાયું છે, જે 2019 પછી સૌથી વધુ છે.