સુશ્મિતા સેન, પદ્મિની કોલ્હાપુરે, રવિના ટંડન સહિત અનેક ફિલ્મ અભિનેત્રી હવે વેબસિરીઝનો ભાગ બની છે. બસ એ જ રીતે આર. માધવન, સૈફી અલીખાન, વિવેક ઓબેરોય, રાજબબ્બર, મનોજ વાજપેયી પણ વેબસિરીઝમાં દેખાય રહ્યા છે. હવે આ બધામાં અક્ષય ખન્ના પણ ઉમેરાશે. સોળમી જાન્યુઆરીથી ‘લિગસી’ નામની વેબ સિરીઝ શરૂ થઇ રહી છે. રવિનાના પતિ અનિલ થડાની જેના એક નિર્માતા છે એવી આ સિરીઝમાં અક્ષય ખન્ના સાથે રવિના ટંડન પણ છે. ‘આરણ્યક’ પછી રવિનાની આ બીજી સિરીઝ છે.
અક્ષય ખન્ના ઘણા વર્ષોથી ફિલ્મોમાં છે અને ઐશ્વર્યા રાયના હીરો બનવાથી માંડી અનેક પ્રકારની ભૂમિકાઓ કરતો રહ્યો છે. જોકે તેને કામ તો મળતું રહ્યું છે પણ સ્ટારડમ કદી નથી મળ્યું. અભિનયની પ્રતિભા હોવા છતાં તેનામાં સ્ટારવેલ્યુ અને સ્ટાઇલ ન હતી તે સ્વીકારવું પડે. અક્ષય ખન્ના કાંઇ વિનોદ ખન્ના તો નથી. અત્યારે તેની પાસે ‘સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક’ અને ‘હંગામા-2’ જેવી ફિલ્મો છે પણ ‘લિગસી’ તેના માટે નવા આરંભ જેવી ગણાશે. અક્ષય આજ સુધી ફકત ફિલ્મના માધ્યમમાં જ કામ કરતો રહ્યો છે. તેણે ટી.વી. શ્રેણીમાં કદી કામ નથી કર્યું.
તેણે વેબસિરીઝ સ્વીકારી એ સારી વાત કહેવાય. ‘બોર્ડર’, ‘તાલ’, ‘દિલ ચાહતા હૈ’, ‘હમરાઝ’, ‘હંગામા’, ‘રેસ’, ‘ગાંધી માય ફાયર’, ‘ઢીસૂમ’ અને ‘મોમ’ પછી તેને જૂદા માધ્યમમાં જોવો ગમશે.
‘લિગસી’નો દિગ્દર્શક વિજય ગટ્ટે છે જેણે ‘ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. રવિના ટંડન અને અક્ષય ખન્ના છેલ્લે જે.પી. દત્તાની ‘એલઓસી: કારગિલ’માં સાથે હતા. અક્ષય કહે છે કે હું આ વેબસિરીઝ બાબતે ઉત્સાહીત છું કારણકે તેનો વિષય ઘણો ઇન્ટ્રેસ્ટિંગ છે. તેમાં સત્તાના સંઘર્ષની વાત છે. અક્ષય ખન્નાની જ આ પહેલી વેબસિરીઝ છે એવું નથી દિગ્દર્શક વિજય ગટ્ટેની પણ આ પહેલી જ છે. જાન્યુઆરીમાં ‘લીગસી’ રજૂ થશે અને પ્રેક્ષકો તેને વધાવી લેશે એવી ખાત્રી રવિના, અક્ષયને છે.