સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા મુગલીસરા ફાયર ચીફ ઓફિસરની ઓફિસની બહાર આજે સાંજે અચાનક રોડમાં ભુવો પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભારે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર રોડ ધસી પડતાં વાહનચાલકો અને પસાર થતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ રોડમાં લગભગ 3થી 4 ફૂટ પહોળો અને અંદાજે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. સામાન્ય રીતે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન આવા ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ વખતે ઉનાળાની સિઝનમાં જ આ ઘટના બનતા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પાલિકા તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને અકસ્માત ટાળવા માટે રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક રીપેરીંગ કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સામાન્ય રીતે શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડા લાંબા સમય સુધી રીપેર થતા નથી, પરંતુ કોર્પોરેશનની ઓફિસની બહાર પડેલા આ ભુવાને ઝડપથી બેરિકેડિંગ કરીને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.