Entertainment

નબળો પડે તે ‘ટાઇગર’ નહીં

મનોરંજક ઉદ્યોગને હંમેશા રોમેન્ટિક હીરોની જરૂર હોય છે એમ જબરદસ્ત શરીર ષૌષ્ઠવ ધરાવતા સ્ટારની પણ જરૂર હોય છે. અમિતાભ બચ્ચન યા તેની પહેલાં ધર્મેન્દ્ર બધા જ પ્રકારની ભૂમિકામાં ફિટ હતા. સંજીવકુમાર અને દિલીપકુમાર યા રાજ કપૂર અભિનયમાં શ્રેષ્ઠ પણ એકશન માટે તેઓ બન્યા નહોતા. તેમના સમયમાં દારાસીંઘ યા શેખ મુખ્તાર વગેરે સફળ રહેલા તે તેમના શરીરને કારણે. દારાસીંઘ એકશન નહોતા કરતા પણ તે જમાને અખાડામાં, રીંગમાં ઊતરીને જીતે તેના માટે પણ સિસોટી વાગતી. બાકી બહુ બધા એકટર ‘ભીસુમ ભીસુમ’ હતા.

ફીરોઝ ખાન એકશન કરે ત્યારે વિશ્વાસ બેસતો.આજે એવો વિશ્વાસ ટાઇગર શ્રોફ માટે છે પણ તે ટોટલ એકટર બની શકતો નથી એટલે તેની ફિલ્મોના પ્રેક્ષક માટે તેની અપેક્ષા પણ ફિકસ થઇ ગઇ છે. હોલીવુડમાં ટોટલ એકશન ફિલ્મ ચાલી શકે, ભારતના પ્રેક્ષકને તેના હીરો પાસે બીજી પણ અપેક્ષા હોય છે. આ અપેક્ષાના કારણે જ સંજય દત્ત સુધરેલો અને રોમાન્સ, કોમેડી પર પણ ઊતરી આવેલો. ગોવિંદા કોમેડીમાં અટકી ગયો. એક સમયે ખૂબ ચાલ્યો પણ જયારે પૂરો થઇ ગયો તો લોકો હવે તેને જોવા જ તૈયાર નથી.

ઋતિક રોશને રોમેન્ટિક ફિલ્મોથી શરૂઆત કરેલી અને તેમાં ડાન્સ, એકશન પણ હોવાથી ટોટલ સ્ટાર કવોલિટીથી સફળ થયો. ટાઇગર શ્રોફની ‘ગનપથ’ શું તેને સફળતા અપાવશે? તે એક જેન્યુઇન એકશન સ્ટાર છે અને ‘ગનપથ’ એક એકશન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં તો અમિતાભ બચ્ચન પણ તેના મેન્ટર તરીકે ખાસ ભૂમિકામાં છે. અમિતાભ હજુ આજના સ્ટાર્સને બચાવવામાં ય મદદ કરી શકે છે. ‘ક્વિન’ જેવી સફળ ફિલ્મોનો દિગ્દર્શક આ ફિલ્મનો દિગ્દર્શક છે એટલે એકશન ઉપરાંત પણ ફિલ્મને સફળકરનારા તત્વો હોય શકે છે. કોરોના પછી ટાઇગરની ‘હીરોપંતી-2’ રજૂ થયેલી અને હવે ‘ગનપથ’ વડે પ્રેક્ષકો સામે છે.

હવે તે પોતાને બદલવાના પ્રયત્નમાં ‘બડે મિયાન છોટે મિયાં’ જેવી કોમેડીને પણ અજમાવી રહ્યો છે. ‘સ્ક્રુ ઢીલા’ શશાંક ખેતાનની ફિલ્મ છે એટલે તેમાં પણ તે તેની ઇમેજથી જૂદો હોય શકે છે. લાગે છે કે વચ્ચે લાંબો સમય તેની ફિલ્મો રજૂ ન થઇ એટલે કારકિર્દીનું પૃથ્થક્કરણ કરી પોતાને બદલવા તૈયાર થયો છે. પણ હજુ તેણે ઘણું કરવું બાકી છે. ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફ રોમાન્સ એકશન ફિલ્મથી શરૂઆત કરેલી પણ મહેશ ભટ્ટ, વિદુ વિનોદ ચોપરા જેવાએ તેને બહુ બદલેલો. ટાઇગર એક સ્વસ્થ વ્યકિતત્વ ધરાવે છે.

બહુ બોલ બોલ કરતો નથી. હવે તેની આ સ્વસ્થતા તેને વધારે ડેવલપ કરે તે જરૂરી છે. જેકી શ્રોફ તેને બહુ સલાહ આપે તેવો નથી, કારણ કે સલાહ અમુક હદ સુધી જ ચાલી શકે. રિશી કપૂર કાંઇ રાજ કપૂરની સલાહને કારણે નહીં પોતાની ટેલેન્ટને કારણે સ્ટાર બનેલો. ટાઇગર પાસે પણ એ જ અપેક્ષા છે. તેણે તેની ડાન્સ ટેલેન્ટનો પણ વધારે ઉપયોગ કરી મ્યુઝિકલ ફિલ્મોના હિસ્સો બનવું જોઇએ. મ્યુઝિકલ ફિલ્મ હોય એટલે રોમેન્ટિક તો હશે જ. આ માટે અંગત જીવનની પ્રેમકહાણી પણ ચર્ચામાં રહેવી જોઇએ. હમણાં બે મહિના પહેલાં દિશા પટની સાથે બ્રેકપ થયાનું તેણે સ્વીકાર્યું હતુન. શું તેને કોઇ બીજી અભિનેત્રી સાથે પ્રેમ થયો છે? ફિલ્મોમાં સ્ટાર હો તો બે પાંચ લવ સ્ટોરી લોકો માન્ય રાખે છે. અત્યારે તે આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યાનો ગણગણાટ છે જેની સાથે તેણે બે મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું છે. •

Most Popular

To Top