Madhya Gujarat

ડમ્પરનું ભાડુ ન ચુકવી રૂા. 43.20 લાખની ઠગાઈ

નડિયાદ: આણંદ તાલુકાના જીટોડીયામાં રહેતાં અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં એક ઈસમ પાસેથી તેના ધંધાદારી મિત્રએ ડમ્પર ભાડે લઈ છેલ્લાં ચાર વર્ષથી ભાડું ન ચુકવી રૂ.43,20,000 ની છેતરપિંડી આચરી હતી. આ મામલે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ તાલુકાના જીટોડીયા ગામમાં રહેતાં ગોપાલભાઈ વિનુભાઈ ઠાકોર ટ્રાન્સપોર્ટના વ્યવસાયની સાથે સાથે ગાડીઓની લે-વેચનો પણ ધંધો કરે છે. ધંધાના કામઅર્થે થોડા વર્ષો અગાઉ તેઓની મુલાકાત અલ્તાફ શેખ (રહે.માશા અલ્લાહ બિલ્ડિંગ, મહેમુદપુરા, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) સાથે થઈ હતી. અવારનવારની મુલાકાત તેમજ ટેલિફોનિક સંપર્ક બાદ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.

દરમિયાન સન 2018 ની સાલમાં ગોપાલ ઠાકોરે ડમ્ફર નં જીજે 23 વાય 7063 ખરીદી રેતી-કપચીના ટ્રાન્સપોર્ટમાં મુક્યું હતું. જેના થોડા મહિનાઓ બાદ અલ્તાફ શેખે દૈનિક રૂ.3000 લેખે મહિનાના રૂ.90,000 ના ભાડેથી ગોપાલભાઈનું ડમ્ફર ભાડે લઈ જવાની વાત કરી હતી. જેથી ગોપાલભાઈ ભરમાઈ ગયાં હતાં અને ડમ્ફર ભાડે આપવા તૈયારી દર્શાવી હતી. જે બાદ તારીખ 1-5-2018 ના રોજ અત્લાફ શેખ જીટોડીયા આવ્યાં હતાં અને ગોપાલભાઈનું ડમ્ફર લઈ ગયાં હતાં. જેનો એક મહિનો પૂર્ણ થતાંની સાથે જ અલ્તાફ શેખે ડમ્ફરના ભાડા પેટે રૂ.90,000 ગોપાલભાઈને મોકલી આપ્યાં હતાં. જે બાદ બીજા અને ત્રીજા મહિને પણ સમયસર ભાડુ મોકલી આપ્યું હતું.

પરંતુ અલ્તાફ શેખે ચોથા મહિને ડમ્ફરનું ભાડુ મોકલ્યું જ ન હતું. જેથી ગોપાલભાઈએ પોતાના મિત્ર અલ્તાફને ફોન કરી ભાડા અંગે વાત કરતાં તેણે આગળથી પેમેન્ટ આવ્યું નથી, કોન્ટ્રાક્ટર પેમેન્ટ આપશે એટલે તમને ભાડુ ચુકવી દઈશ તેવું જણાવ્યું હતું. જોકે, ઘણાં દિવસો વીત્યા બાદ પણ અત્લાફ શેખે ભાડુ ચુકવ્યું ન હતું. જેથી ગોપાલભાઈ ભાડાની ઉઘરાણી માટે અવારનવાર અલ્તાફને ફોન કરવા લાગ્યાં હતાં. પરંતુ અલ્તાફે ગોપાલના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધુ હતું. જેથી ગોપાલભાઈ અવારનવાર અલ્તાફના ઘરે તેમજ ઓફિસે જઈને ચાર વર્ષના ડમ્ફરના ભાડા પેટે બાકી નીકળતાં રૂ.43,20,000ની માંગણી કરી હતી. પરંતુ, અલ્તાફ દરેક વખતે વાયદાઓ કરી, ભાડું ચુકવતો ન હોવાથી ગોપાલભાઈએ ડમ્ફર પરત માંગ્યું હતું. પરંતુ અલ્તાફ ડમ્ફર પણ પરત આપતો ન હતો. જેથી ગોપાલભાઈએ પોતાના ડમ્ફરનાં ચાર વર્ષનાં ભાડાં પેટે રૂ.43,20,000 ન ચુકવી છેતરપિંડી આચરનાર મિત્ર અલ્તાફ શેખ સામે આણંદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અલ્તાફ શેખ સામે આઈ.પી.સી કલમ 420 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top