એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના બાળકોણે ભણવામાં રસ ઓછો અને તોફાનમાં વધારે હતો.પણ તેમાં ત્રણ ચાર વિદ્યાર્થીઓ બહુ હોશિયાર પણ હતા.
શાળાના મોટાભાગના ટીચરો અને બધા ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓને આ ગરીબ બાળકો તેમની શ્લામાં ભણવા આવતા હતા તે બિલકુલ ગમતું નહિ.તેઓ હંમેશા તેમની ગરીબીની,તેમના જુના યુનિફોર્મ અને બુટની મજાક ઉડાવતા અને એટલે ગરીબ વિદ્યાર્થીઓ ગુસ્સે થતાં અને વધુ તોફાન કરતા અને તેમને સજા થતી.
શાળામાં છમાસિક પરીક્ષાનું પરિણામ આવ્યું અને નવમાં ધોરણમાં અને દસમાં ધોરણમાં જે વિદ્યાર્થી બધા વર્ગમાં પ્રથમ આવ્યા હતા તે આ ગરીબ વિદ્યાર્થીઓમાંથી હતા જેમને કોઈ ખાસ સ્પેશ્યલ કોચિંગ પણ મળતું ન હતું તેઓ જાતમહેનતે આગળ આવ્યા હતા.
દર વર્ષની જેમ જે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા હતા તેમને ખાસ સમારોહમાં તેમના માતા પિતાનું સન્માન કરી, સ્કોલરશીપ આપવામાં આવી અને ઇનામ પણ ….આ સમારોહમાં જયારે નવમાં ધોરણમાં પ્રથમ આવેલી રૂપા જે એક સફાઈકર્મચારીની દીકરી હતી અને દસમાં ધોરણમાં પ્રથમ આવેલો દિનેશ એક રિક્ષાચાલકનો દીકરો હતો. તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ત્યારે બીજા વિદ્યાર્થીઓએ અભિવાદન કરવાની જગ્યાએ તેનો હુરિયો બોલાવ્યો અને સફાઈકર્મચારી અને રીક્ષાચાલક હોવાની બાબતે મજાક ઉડાડી.
રૂપા ખુબ જ હિંમતવાળી હતી તે તરત માઈક પાસે ગઈ અને માઈક હાથમાં લઈને બોલી, ‘કોઈ કામ નાનું નથી.દરેક કામ મહત્વનું છે અને તે કામ કરનાર મહેનતુ માણસ પણ …..હા, મણે ગર્વ છે કે મારા પિતા ગંદકી અને કચરો સાફ કરવાનું કામ કરે છે તેઓ એક સફાઈ કર્મચારી છે,જેઓ મહેનત કરી પૈસા કમાઈને તેમના પરિવારને ભૂખો સુવા દેતા નથી.
આ સમાજમાં બધ કામ કરે છે પૈસા કમાવા માટે અને પોતાના પરિવારજનોની થાળીમાં ભોજન પીરસવા માટે …પછી તે ડોક્ટર હોય એન્જીનીયર હોય, મોટા પગારદાર ઓફિસર હોય કે બહુ પ્રોફિટ કમાતા બિઝનેસમેન…દરેક કામ કામ છે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું.દરેક જણ પોતાના ભાગે આવેલું કામ કરે છે પછી તે નાનું હોય કે મોટું.
અને વધારે પૈસા કમાનારને ઓછા પૈસા કમાનારની મજાક ઉડાડવાનો કોઈ અધિકાર નથી.મારા પિતા સફાઈ કર્મચારી છે કે દિનેશના પિતા રિક્ષાચાલક..અને તમારા પિતા વધુ પૈસા કમાનાર મોટા માણસો હશે પરંતુ એટલે કઈ તમે અમારી મજાક કરી અમને ઉતારી પાડવાનો હક્ક તમને મળતો નથી.
આજે અમે અમારી મહેનત અને લાયકાત સાબિત કરી અહીં સ્ટેજ પર છીએ.તેમાં અમારા મહેનતુ પિતાની મહેનત છે.’ બધા ચુપ થઈ ગયા.શાળાના આચાર્યએ બધા વતી માફી માંગી અને રૂપા અને દિનેશના માતા પિતાનું સન્માન કર્યું અને રૂપા અને દિનેશને સ્કોલરશીપ અને ઇનામ આપ્યા.
- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.