પાસપોર્ટ માટે અરજી કરનારા અરજદારો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે પાસપોર્ટ વેરિફિકેશન ની પ્રક્રિયામાં સુધારો કર્યો છે. તેના પગલે હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કાં ખાવા પડશે નહીં.
કાયદા અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે આ મામલે ક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર અનુસાર અરજદારોને હવે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં. આ સાથે જ અરજદારના ઘરે પણ પોલીસ જશે નહીં. ઓનલાઈન જ પાસપોર્ટ વેરિફિકેશન કરી દેવામાં આવશે.
આ અગાઉ અરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને જવું પડતું હતું. પોલીસ બોલાવે ત્યારે અરજદારોએ સ્ટેશને જવું પડતું હતું. કેટલાંક કિસ્સામાં પોલીસકર્મી અરજદારને ઘરે જતા હોવાનું પણ જોવા મળતું હતું.
કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલા પરિપત્રના પગલે પાસપોર્ટના અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે નહીં. હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે.
પરિપત્રમાં પોલીસકર્મીને શું નિર્દેશ અપાયા?
પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર ના માધ્યમથી પોલીસ કર્મચારીઓને આદેશ કર્યો છે કે, પાસપોર્ટ એરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂરિયાત નથી. અરજદારોના વેરિફિકેશન માટે માત્ર અરજદારની નાગરિકતા તેમજ અરજદારના ગુનાહિત પૂર્વ ઈતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે અરજદારના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા નથી. તેથી પાસપોર્ટ અરજદારને રૂબરૂ બોલાવવા કે તેમની સહી લેવાની પણ જરૂર નથી.