Gujarat

રેસીડન્ટ તબીબોની હડતાળ ગેરવ્યાજબી: સરકાર

રાજ્યની સરકારી કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડન્ટ ડૉકટર્સે તદ્દન ગેરવાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ પાડીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવા તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઇ જાય. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફીથી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજ્યના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. છેલ્લે તા.૧૨-૦૪-૨૦૨૧ના રોજ કરેલા ઠરાવની મુદ્દત તા.૩૧.૦૭.૨૦૨૧ના રોજ પૂર્ણ થતાં તથા રાજ્યમાં જુજ સંખ્યામાં કોવિડના કેસોની સંખ્યાને ધ્યાને લઇને રાજ્યની ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની સારવાર માટે ઘણી મોટી સંખ્યામાં તબીબોની જરૂરિયાત છે, ત્યારે તેઓને રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા. ૦૧-૦૮-૨૦૨૧થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલા બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.

Most Popular

To Top