ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દેશભરમાં નવી ટોલ નીતિ લાવવાની યોજના બનાવી રહ્યું છે. જે અંતર્ગત દેશભરના ટોલ પ્લાઝા પર મુસાફરીને સરળ બનાવવા માટે ઘણી નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બધી અટકળોનો અંત લાવતા આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘X’ દ્વારા FASTag વાર્ષિક પાસ રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
નીતિન ગડકરીએ આજે સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં વાર્ષિક FASTag પાસ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ વાર્ષિક પાસ માટે યુઝર્સે વર્ષમાં ફક્ત એક જ વાર 3,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યાર બાદ આ પાસ યુઝર્સને ઈશ્યુ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે, એક્ટિવ થયા પછી આ પાસ 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે પહેલા આવે તે) માટે માન્ય રહેશે. એટલે કે, જો 200 ટ્રિપ્સ સમય પહેલા પૂર્ણ થાય છે તો યુઝર્સે ફરી એકવાર પાસ રિન્યુ કરાવવો પડશે.
નીતિન ગડકરીએ પોતાની પોસ્ટમાં કહ્યું, એક ઐતિહાસિક પહેલમાં 15 ઓગસ્ટ, 2025 થી 3,000 રૂપિયાનો FASTag આધારિત વાર્ષિક પાસ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ માટે જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે.

તમને જણાવી દઈએ કે આ પાસ ખાસ કરીને ફક્ત બિન-વાણિજ્યિક ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે બનાવવામાં આવ્યો છે. તે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા વાહનો માટે લાગુ પડશે. આમાં વાણિજ્યિક વાહનોનો સમાવેશ થતો નથી.
વાર્ષિક ફાસ્ટેગ પાસ કેવી રીતે મેળવવો
સરકાર આ વાર્ષિક પાસ બધા યુઝર્સ માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ પાસને એક્ટિવ કરવા અથવા રિન્યૂ કરવા માટે હાઇવે ટ્રાવેલ એપ અને NHAI/MoRTH વેબસાઇટ્સ પર ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના દ્વારા યુઝર્સે આ લિંકની મુલાકાત લઈ શકશે અને વાર્ષિક પાસ સબમિટ કરી શકશે.
કેન્દ્રીય મંત્રીએ તેમના પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી નીતિ 60 કિમીના ત્રિજ્યામાં સ્થિત ટોલ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને પણ દૂર કરશે અને એક જ અનુકૂળ વ્યવહાર દ્વારા ટોલ ચુકવણીને સરળ બનાવશે. આ વાર્ષિક ફાસ્ટેગ પાસના ઘણા ફાયદા થવાની અપેક્ષા છે. આનાથી યુઝર્સને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.
FASTag વાર્ષિક પાસ પર એક નજર
- 15 ઓગસ્ટથી શરૂ થશે પાસની કિંમત 3,000 રૂપિયા હશે.
- 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે માન્ય રહેશે
- NHAI / MoRTH વેબસાઇટ્સ પરથી સક્રિય કરવામાં આવશે
- આ ફક્ત ખાનગી વાહનો માટે જ લાગુ પડશે
- ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઓછો થશે ટોલ પ્લાઝા પર થતા વિવાદો પણ ટાળી શકાય છે
રાહ જોવાનો સમય ઓછો થશે
FASTag વાર્ષિક પાસ જારી થયા પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય પણ ઘટશે. આનાથી ટોલ પ્લાઝા પર ભીડ ઓછી થશે અને વિવાદો દૂર થશે. વાર્ષિક પાસ નીતિ લાખો ખાનગી વાહન ચાલકોને ઝડપી, સરળ અને બહેતર મુસાફરીનો અનુભવ પ્રદાન કરવામાં મદદ કરશે.